દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં એક સ્કૂલે નિયમો તોડ્યા છે. જામ ખંભાળીયામાં સેન્ટ કર્વે ઈંગ્લિશ મીડિયમ સ્કુલ દ્વારા સરકારી નિયમોનો ઉલાળીયો કરવામાં આવ્યો છે. રામનગર નગર વિસ્તારમાં આવેલી સેન્ટ કર્વે સ્કુલ દીવાળી વેકેશનમાં પણ ખુલી જોવા મળી છે.
શિક્ષણકાર્ય કેમ ચાલુ રખાયું તે અંગે સંચાલકો મૌન
સ્કુલ સંચાલકો દ્વારા વેકેશનમાં વિદ્યાર્થીઓને બોલાવીને શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સેન્ટ કર્વે સ્કુલ કમ્પાઉન્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થયા છે. જો કે આ અંગે સંચાલકોએ મૌન સેવ્યું છે. દ્વારકા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં કે નહીં તે પણ એક મોટો સવાલ છે.
ભાવનગરમાં વેકેશન પૂર્ણ થયા પહેલા શાળાઓ ધમધમતી થઈ
ગઈકાલે ભાવનગર શહેરમાં પણ વેકેશન પૂરું થાય એ પહેલા જ ખાનગી શાળાઓ ધમધમતી જોવા મળી હતી. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં કોચિંગ કલાસ ના બહાને સ્કૂલ શરૂ કરી દીધી હતી. શિક્ષણ વિભાગે બહાર પાડેલા વેકેશનના પરિપત્રના નિયમો પણ ખાનગી શાળાના સંચાલકો ઘોળીને પી ગયા હોય તેવુ લાગી રહ્યું છે. શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓમાં વેકેશન પૂરું થયા પહેલા શરૂ થયેલી શાળાઓમાં ચેકીંગ શરૂ કર્યું છે.









