સુરત જિલ્લાના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદ થતા ઉકાઈ ડેમમાં વરસાદી પાણીનો સારો એવો જથ્થો ઠલવાયો હતો. જેથી તંત્રએ ઉકાઈ ડેમમાંથી 1.47 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડયું છે. જેના લીધે તાપી નદીની સપાટી 09.12 મીટર પર પહોંચી હતી. આના લીધે ઉકાઈ ડેમની હાલની જળસપાટી 336 ફૂટની નજીક પહોંચી છે.
સુરતના જાણીતા ઉકાઈ ડેમમાં વરસાદી પાણીનો વિશાળ જથ્થો જમા થતા તંત્રએ તાબડતોબ તાપી નદીમાં 1.47 લાખ ક્યુસેક પાણી છોડીને ઉકાઈ ડેમની સપાટીમાં ઘટાડો કર્યો હતો. જો કે ડેમમાંથી પાણી નદીમાં છોડાતા તાપી નદીની જળસપાટી વધી જતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્રએ સાવધાન રહેવા અપીલ કરી હતી. વિયર કમ-કોઝવેમાંથી પાણી દરિયામાં છોડાયું હતું. ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી જતા તંત્ર પાણી છોડીને સપાટીને ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો.









