સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. જેના કારણે અનેક દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં જળબંબાકાર અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં નવા નીર આવતા નદીઓ ગાંડીતૂર બની છે. તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. તાપીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. પુલ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં ગ્રામજનોને દૂર-દૂર સુધી ફરીને જવાનો વારો આવ્યો છે.
15થી વધુ ગામોના લોકોને અવરજવર માટે હાલાકી
તાપી જિલ્લામાં રાત્રીના સમયે વરસેલા ધોધમાર વરસાદને પગલે અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વ્યારાના પેરવડ ગામે પુલની રેલીંગ સહિત પુલનું મોટાપાયે ધોવાણ થયું છે. પુલનું ધોવાણ થતાં ભારે વાહનો માટે પુલ પરથી અવરજવર બંધ કરવામાં આવ્યું છે. પુલનું ધોવાણ થતાં ઝાખરી, રાણી આંબા, સાતશિલા સહિતના 15થી વધુ ગામોના લોકોને અવરજવર માટે હાલાકી પડશે.
પૂરમાં ઘરવખરી વહી જતાં ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા
વ્યારાના પેરવડ ગામે પુલની રેલિંગ સહિત પુલનું ધોવાણ થતા પુલની આસપાસના 8 જેટલાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે ગરીબ આદિવાસી પરિવારોને મોટાપાયે નુકસાન થયું છે. તેમજ પૂરમાં ધરવખરી વહી જતાં ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગરીબ પરિવારો દ્વારા સરકાર સમક્ષ આર્થિક સહાય જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.









