હોળીના પર્વ નિમિતે દ્વારકા જગત મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, આ ઉત્સવમાં સહભાગી થવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટશે. ફૂલડોલ ઉત્સવની ઉજવણીની પૂર્વ તૈયારીઓનાં ભાગરૂપે મહત્વપૂર્ણ બેઠક કલેકટર, જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં જિલ્લાનાં તમામ વહીવટી તંત્ર સાથે યોજાઇ હતી. ફૂલડોલ ઉત્સવને લઈ જગત મંદિરનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
દ્રારકા રોડ પર સેવા કેમ્પો ધમધમ્યા
દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં કાળિયા ઠાકોર સંગ રંગે રમવા ભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી તા. ૧૪ માર્ચના રોજ કૃષ્ણ નગરી દ્વારકા ખાતે ભવ્ય રીતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે. ફુલડોલ ઉત્સવમાં સહભાગી થવા દૂર દૂરથી હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો પગપાળા દ્વારકા આવી રહ્યા છે. પદયાત્રીઓને રહેવા,જમવા, આરામ કરવા સહિતની સુવિધાઓ મળી રહે તે માટે અનેક સ્થળોએ સેવા કેમ્પો ધમધમી રહ્યા છે.
રોડની સાઈડમાં સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત અકસ્માતો ન સર્જાય અને લોકો સલામત રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આરટીઓ દ્વારા રીફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રોડની સાઈડમાં સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે.









