રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ ગરમીનો પારો 40 સુધી પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે. હજુ પણ આવનારા દિવસોમાં ગરમીનો પારો હજુ પણ ઉંચો જવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ વર્ષે ગરમીની શરૂઆત મોડી જરૂર થઈ છે, પરંતુ હવે કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા બપોરના સમયે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે બપોરના 1થી 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સામાન્ય રીતે 60થી 90 સેકન્ડ સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહે છે. આ સમય સાંભળવામાં તો નાનો લાગે છે, પરંતુ જ્યારે કાળઝાળ ગરમીમાં આટલો સમય ઉભુ રહેવું પડે ત્યારે ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને આ નિર્ણયથી વધારે ફાયદો થશે અને ગરમી અને લું લાગવાથી બચી શકાશે. આ કારણે પોલીસે મેન્યુઅલી ટ્રાફિક મેનેજ કરવાનો નિર્ણય લીધો છે.









