ઈડરના ડુંગર ઉપર બે દીપડા આંટાફેરા કરતા જોવા મળ્યા છે. ઈડર કોર્ટ પાસેના ડુંગર પર બે દીપડા દેખાયા છે. જેના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો એકલા ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
સ્થાનિક વન તંત્ર દીપડાને લઈ ઘોર નિદ્રામાં ઝડપાયું
ઈડર કોર્ટ પાસે આરામ ફરમાવતા દીપડા કેમેરામાં કેદ થયા છે. તમને જણાવી દઈએ કે મહારાણા પ્રતાપ સર્કલ પાસેના ડુંગર પરના આ દ્રશ્યો છે અને રહેણાંક વિસ્તાર નજીક જ દીપડા દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. અવાર નવાર ઈડરના ડુંગર પર દીપડા જોવા મળે છે. રહેણાક વિસ્તાર નજીક દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ સ્થાનિક વન તંત્ર દીપડાને લઈ ઘોર નિદ્રામાં ઝડપાયું છે. ઈડરમાં દીપડાનો પરિવાર વસવાટ કરતો હોવાનો સ્થનિકોનો દાવો છે.
થોડા દિવસ પહેલા જંબુસરના મગણાદ ગામે દીપડાએ ત્રણ પશુ ઉપર હુમલો કર્યો હતો અને બે પશુનું મારણ કર્યુ હતું. દીપડાના આંતકથી ગામમાં ભયનો માહોલ છવાયો હતો. મગણાદ ગામના ચોઈસિયા વઘા વિસ્તારમાં દીપડાના આંતકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાએ હુમલામાં એક ભેંસનું બચ્ચું તેમજ એક વાછરડાનું મારણ કર્યું હતું અને અન્ય એક ગાયના વાછરડા પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી.
મંગણાદ ગામના સુરેશભાઈ જશુભાઈ ગોહિલ તેમજ વાધજી ભાઈ દેસાઈના પશુઓનું મોત થયું છે, ત્યારે રાજુભાઈ સનાભાઈ વાવડ નામના પશુપાલકના પશુઓ પર હુમલો થતાં તેને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. ચોવીસ્યા વાગા વિસ્તારમાં ખેતરોમાં દીપડાના પંજાના નિશાનો પણ જોવા મળ્યા હતા, ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.









