બોટાદ જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. બોટાદના પાળીયાદ અને બોડી ગામે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. બોટાદના પાળીયાદ, બોડી, રાણપુર, મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાન થઈ શકે છે.
ગઢડા રોડ પર આવેલા કેબિનના પતરા ઉડી ગયા
બીજી તરફ બોટાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. શહેરમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનથી ભાવનગર રોડ પર એક ગેટ ધરાશાયી થયો છે, ત્યારે ગેટ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. ગઢડા રોડ પર આવેલા કેબિનના પતરા ઉડી ગયા છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાવાથી કેટલીક જગ્યાએ લગ્નના મંડપ ઉડ્યા છે તો કેટલીક જગ્યાએ છાપરા ઉડવાની ઘટનાઓ પણ સામે આવી છે. ભાવનગરમાં એક મકાન પર વીજળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે.









