ગોંડલ શહેર અને પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે માવઠાની અગાહીને પગલે ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગોંડલ શહેર તેમજ પંથકમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલ શહેરમાં વરસાદી છાંટા તો ગ્રામ્યમાં રિબડા, શાપર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
અમદાવાદના ધોળકામાં કરા સાથે વરસાદ
અમદાવાદના ધોળકામાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોળકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે વાતાવરણમાં પલટાની સાથે જ વરસાદ વરસ્યો છે. શહેર તેમજ ગ્રામ્યમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતો, ધંધાર્થીઓ, વેપારીઓને હાલાકી પડી રહી છે. બીજી તરફ રાજ્ય સહિત ધોળકા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ આ કમોસમી વરસાદના કારણે ચિંતિત જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને વધુ નુકસાન થવાની ભીતિ છે. ત્યારે ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને તેના કારણે ટુ-વ્હીલર ચાલકને પણ તકલીફ પડી રહી છે. જણાવી દઈએ કે ખંભાતના અખાતમાં ભારે ચક્રવાતને લઈ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વડગામ, આખોલ સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.









