અરવલ્લીના મેઘરજમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. મેઘરજના જીતપુર, રેલ્લા વાડામાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાથી રસ્તા પર ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને વીજપોલ પણ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. હાલમા JCBની મદદથી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે પશુ બાંધેલા તબેલાના પતરાં પણ ઉડી ગયા છે.
ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
બીજી તરફ બોટાદના ગઢડા તાલુકાના ખોપાળા અને લાખણકા ગામે ધોધમાર પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદનો માહોલ જામ્યો છે. ખોપાળા ગામે કમોસમી વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. લાખણકા ગામે જોરદાર વરસાદ થતાં ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઢડા તાલુકાના ખોપાળા, લાખણકા, વિરડી, ઉગામેડી સહિત ગામોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે.









