ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગંગાનું જળસ્તર વધ્યું છે. ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. લેટે હનુમાન મંદિરમાં ગંગા નદીના પાણી ફરી વળ્યા છે. આ સાથે હનુમાનજીની મૂર્તિની આસપાસ ગંગાના પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ક્યાં ક્યાં ભરાયા પાણી
મંદિર પરિસરમાં, સાધુ સંતોના ઝુંપડાઓમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. ગંગા નદીનું પાણી ઘાટના કિનારે ફરી વળતા મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઘાટને બદલે રસ્તા પર અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. લેટે હનુમાન મંદિરમાં હનુમાનજી સૂતેલી અવસ્થામાં છે. લોકો અહીં આરતી કરીને તેમનું પૂજન કરી રહ્યા છે. આ દુનિયાનું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનજી આરામ કરતી મુદ્રામાં ભક્તોને દર્શન આપે છે. આ વખતે હનુમાનજીની મૂર્તિ ગંગામાં સમાઈ ગઈ એ વાતની ખુશી મનાવવામાં આવી હતી અને ત્યાંના પૂજારીએ પાણીમાં ડૂબેલા ભગવાનની આરતી કરી હતી.
છેલ્લા કેટલાક દિવસોના વરસાદના કારણે ગંગાનું સ્તર વધ્યું છે અને સાથે જ પાણીની સમસ્યા વકરી રહી છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. સ્થાનિકો એક તરફ હનુમાનજીની પૂજાને લઈને આનંદ અનુભવી રહ્યા છે તો અન્ય તરફ પારાવાર મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.









