રાજકોટમાં અંબિકા ટાઉનશીપમાં રહેતા રહીશોએ હોબાળો મચાવ્યો છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકો દ્વારા કોર્પોરેશનમાં વિરોધ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓને સ્થાનિકોએ રજૂઆત કરી છે. જાહેર ગાર્ડન માટેની જગ્યામાં હેતુફેર કરીને ટીપરવાનનું પાર્કિંગ અપાતા રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે સ્થાનિકોએ કોર્પોરેશનમાં અધિકારીઓને મળીને રૂબરૂ રજૂઆત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે રેસિડેન્ટ વિસ્તારમાં ટીપરવાનનું પાર્કિગ થશે તો રોગચાળો ફેલાશે અને નાના બાળકોના આરોગ્ય સાથે ચેડાં થશે તો જવાબદાર કોણ રહેશે.
રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં હાલાકી
રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે, છેલ્લા 5 દિવસથી આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી બંધ હાલતમાં છે. સોફ્ટવેરમાં ખામી સર્જાતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. આયુષ્યમાન કાર્ડ ન નીકળતા અનેક દર્દીઓને હાલાકી પડી રહી છે. 23 આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડની કામગીરી બંધ હાલતમાં છે. દરરોજ અરજદારો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ નિવેદન આપતા કહ્યું કે દર્દીઓની ફરિયાદ બાદ ઈમેલ દ્વારા સેવા મળી રહે છે.









