આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા દુલસાડ ગામે દીપડાના હુમલામાં ઘાયલ થયેલા નાગરિકની વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહેલી સારવારની સ્થિતિ તેમજ ઘાયલ નાગરિકની સ્વાસ્થ્યની કાળજી લેવા માટે રૂબરૂ મુલાકાત કરી હતી.
દર્દીઓને સારી સારવાર મળે તે માટે હોસ્પિટલના અધિકારીઓને આપી સુચના
આ સાથે જ સાંસદ ધવલ પટેલે ઘાયલ થયેલા નાગરિકની ખબર અંતર પુછી અને સારી સારવાર મળે તે માટે હોસ્પિટલના અધિકારીઓને સુચના આપી હતી. સાથે હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ કરીને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અનેક દર્દીઓને રૂબરૂ મળીને ખબર અંતર પુછ્યા હતા અને સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારજનોની પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન ડોક્ટરોને સારવાર લઈ રહેલા દર્દીઓની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી, મુશ્કેલી, અગવડતા ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે તેવી સુચના આપવામાં આવી હતી.
વલસાડમાં સિવિલ હોસ્પિટલમાં બેદરકારી
બીજી તરફ વલસાડમાં સિવિલ હોસ્પિટલમાં એક મોટી બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં તહેવારના સમયે જ સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે. એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. ડાંગથી દર્દી એમ્બ્યુલન્સમાં આવ્યા બાદ દર્દીને તેના પરિવારજનો જ હોસ્પિટલમાં લઈ જતા નજરે પડ્યા હતા. દર્દીને વિજ કરંટ લાગ્યો હોવાથી તેનું ચેકઅપ કરાવવા માટે તેના સંબંધીઓ સ્ટ્રેચર પર લઈ જતા નજરે પડ્યા હતા, હોસ્પિટલમાં વોર્ડ બોય કે અન્ય કોઈ કર્મચારી સ્ટ્રેચર લઈને ન આવતા પરિવારજનો જાતે દર્દીને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળ્યા.









