વિશાલ દદલાનીએ કાન પકડીને તરૂણસાગરની માફી માગી - Sandesh
  • Home
  • India
  • વિશાલ દદલાનીએ કાન પકડીને તરૂણસાગરની માફી માગી

વિશાલ દદલાનીએ કાન પકડીને તરૂણસાગરની માફી માગી

 | 5:12 am IST

નવી દિલ્હી/મુંબઇ, તા.૨૧

જૈન મુનિ તરૂણ સાગર પર વિવાદિત ટ્વિટ ર્ક્યા બાદ ચારે તરફથી ટીકાઓ થતાં બોલિવૂડના જાણીતા સંગીતકાર વિશાલ દદલાનીએ બે કાન પકડીને તેમની માફી માગવાનો વારો આવ્યો હતો. સંગીતકાર વિશાલ દદલાનીએ ૨૬ ઓગસ્ટના રોજ મુનિ તરૂણ સાગરે હરિયાણા વિધાનસભામાં આપેલા ભાષણ અને તેમના દિગંબર સ્વરૂપની મજાક ઉડાવી હતી, પરંતુ હવે વિશાલ જૈન મુનિ તરૂણ સાગરને પોતાના મિત્ર ગણાવી રહ્યો છે. બુધવારે વિશાલે વધુ એકવાર મુનિની માફી માગી હતી.

‘ગુરૂજીએ મારી માફી સ્વીકારી લીધી છે. મને લાગે છે કે અમારી વચ્ચે મિત્રતા થઇ ગઇ છે,’ એમ વિશાલે મુનિ તરૂણ સાગરની ચંડીગઢમાં મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું. જૈન ધર્મના દિગંબર સમુદાયના મુનિ તરૂણ સાગરે ૨૬ ઓગસ્ટના રોજ હરિયાણા વિધાનસભાને સંબોધિત કરી હતી. આ સમયે તેઓ દિગંબર પરંપરા મુજબ નિર્વસ્ત્ર હતા.

‘વિશાલ દદલાનીએ આ વાતની ઠેકડી ઉડાવતા હોય એમ ટ્વિટ કર્યુ હતું. જેમાં લખ્યું હતું કે, જો તમે તેમને મત આપશો તો તમે આ બકવાસ માટે જવાબદાર હશો. નો અચ્છે દિન, જસ્ટ નો કચ્છે દિન.’ આ પ્રમાણેનો કટાક્ષ કરીને તેણે જૈન મુનિની મજાક ઉડાવી હતી. આ વાતની જૈન સમાજ ઉપરાંત જાહેર જનતાએ પણ આકરી ટીકા કરી હતી. તેમજ ૨૯ ઓગસ્ટના રોજ હરિયાણા પોલીસે વિશાલ વિરૂદ્ધ એફઆઇઆર નોંધી હતી. ત્યારબાદ વિશાલે આ ટ્વિટ ડિલીટ કર્યુ હતું તેમજ મુનિની જાહેરમાં માફી માગી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન