Vision દૂરંદેશીપણું - Sandesh

Vision દૂરંદેશીપણું

 | 4:58 am IST
  • Share

 પોતાના સંકલ્પનું ચિત્ર જેને જેટલું સ્પષ્ટ તેટલું તેનું કાર્ય સહેલું અને જલદી સિદ્ધ થાય

  આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામે પોતાની આત્મકથામાં એક વાત નોંધી છે કે હું ભારતના ઘણા યુવાનોને મળ્યો છું. તેઓમાં અસાધારણ શક્તિ છે, છતાં પણ તેઓ તે શક્તિનું યોગ્ય ફ્ળ પ્રાપ્ત નથી કરી શકતા, તેનું એક કારણ એ છે કે તેમની પાસે VISION અર્થાત્ દૂરંદેશીપણું નથી, તેમણે કરેલા સંકલ્પોનું સ્પષ્ટ ચિત્ર નથી. તેથી તેઓ શું કરીશું, શું થશે જેવા વિચારોમાં અટવાયા કરે છે અને પોતાની યુવાની વેડફ્ી નાખે છે.  

ખરેખર, પોતાના સંકલ્પનું ચિત્ર જેને જેટલું સ્પષ્ટ તેટલું તેનું કાર્ય સહેલું અને જલદી સિદ્ધ થાય. દુનિયામાં જે મહાન પુરુષોએ ઇતિહાસ સર્જ્યો છે, તેનું એક કારણ તેમનું VISION છે.  

ચીનના એક નેતાને વર્ષો પહેલાં એક વિચાર આવ્યો કે ચીન ઔદ્યોગિક, આરોગ્ય, ટેક્નોલોજી કે સ્પોર્ટ્સ આદિ સર્વ ક્ષેત્રોમાં મોખરે હોવું જોઈએ. તેમના આ VISIONને સ્પોર્ટ્સ કમિશનના ચેરમેન માઓ ઝેડોન્ગે પકડયું. તેમણે નક્કી કર્યું કે ઓલિમ્પિકની બધી જ રમતમાં ચીન અગ્ર ક્રમાંકે હોવું જોઈએ. આ VISION સાથે તેમણે બાસ્કેટબોલની રમત પસંદ કરી. આ રમતમાં ખેલાડીઓની ઊંચાઈ 6 ફૂટથી વધુ હોય તો સારો દેખાવ કરી શકે. જ્યારે ચીનના માણસોનાં શરીરનું બંધારણ જ ઠીંગણા કદનું છે. તો શું કરવું? તેના માટે તેમણે સમગ્ર ચીનમાંથી ઊંચામાં ઊંચી એક છોકરી ફેંગ ફેન્ડગીને પસંદ કરી. 15 વર્ષની આ છોકરીને દેશ માટે બાસ્કેટબોલ રમવાનું કહ્યું. પોતાના મોજશોખ છોડી આકરી મહેનત કરીને તે રમવા લાગી. તેની ઉંમર 28 વર્ષની થઈ ત્યારે ચીનનો ઊંચામાં ઊંચો એક પુરુષ પણ આ કમિશને જ શોધી આપ્યો અને તેણીને કહ્યું કે, ‘દેશના ભવિષ્ય માટે તું આની સાથે લગ્ન કર.’ તેણે લગ્ન કર્યાં અને 1980ની 12મી સપ્ટેમ્બરે ચીનમાં એક અસાધારણ બાળકનો જન્મ થયો. જેનું નામ હતું યાઓ મીંગ  . જન્મ સમયે તેના શરીરનું બંધારણ અને વજન જોઈ સૌ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તે પળે સ્પોર્ટ કમિશનના વડા કહે, આ બાળકની અમે વર્ષોથી રાહ જોતા હતા. આ બાળક યુવાન થયો ત્યારે તેની ઊંચાઈ થઈ સાડા સાત ફૂટ. તે યાઓ મીંગે બાસ્કેટ બોલમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા અને ચીનમાં રમાયેલા ઓલિમ્પિકમાં ચીનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખરેખર, આને કહેવાય VISIONનું પરિણામ.  

અમેરિકન લેખક અને ઉદ્યોગપતિ જેક વેલ્ચ કહે છે, `Good leaders create a  VISION, articulate the VISION,  passionately own the VISION, and  relentlessly drive it to completion.’ અર્થાત્ સારા નેતાઓ એક વિઝન બનાવે છે, વિઝનને સ્પષ્ટ કરે છે, ઉત્સાહપૂર્વક વિઝનના માલિક છે, અને તેને સતત પૂર્ણ કરવા પ્રેરે છે. ખરેખર, વ્યક્તિમાત્રએ જોયેલું VISION તેને સફ્ળતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. આપણા સરદાર પટેલ અને ગાંધીજી આદિ સ્વાતંત્ર્ય સેનાનીઓનું વિઝન   હતું તો આજે આપણે સ્વતંત્ર ભારતમાં આઝાદીનો શ્વાસ લઈએ છીએ.  

.પૂ. પ્રમુખસ્વામી મહારાજના મનમાં ભારતીય સનાતન સંસ્કૃતિની પ્રતિકૃતિ સમાન દિલ્હી અક્ષરધામ માટે VISION દૃઢ હતું. તો તેના પરિણામે સેવાનો એવો જુવાળ ઉપડયો કે મોટા મોટા બાંધકામ ક્ષેત્રના માંધાતાઓ પણ બોલી ઊઠયા કેજે કામ પૂરું કરતાં પચાસ વર્ષ લાગે તે અશક્ય કાર્ય પ્રમુખસ્વામી મહારાજે પાંચ વર્ષમાં પૂર્ણ કર્યું.’ સાંપ્રત સમયે આ અક્ષરધામ વિશ્વના લોકોને ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે છે.  

એટલે, કોઈપણ કાર્ય માટે જ્યારે VISION બાંધવામાં આવે છે, ત્યારે આપણને આપણી સુષુપ્ત શક્તિનો પરિચય થાય છે, જે આપણી સિદ્ધિનું મુખ્ય ચાલકબળ હોય છે. તેથી સંકલ્પને સાકારત્વ સત્વરે પ્રાપ્ત થાય છે.  

માટે યુવાને પોતાની યુવાનીના ટૂંકા ગાળામાં જ સંકલ્પસિદ્ધિનું મિશન પાર પાડવાનું છે અને તેના માટે VISION નિશ્ચિત કરવાનું છે. જો એમાં મોડું થશે તો એ જીવનનું મૂરત ચૂકી જવાશે. ખલાસી ભરતીની તક લઈને હોડી પાણીમાં તરતી મૂકે છે પરંતુ એક ભરતી ચૂક્યો તો પૂરા ચોવીસ કલાકની રાહ જોવી પડે. અવકાશ વૈજ્ઞાનિકો નક્ષત્રોનો યોગ જોઈને યાનને અંતરીક્ષમાં વહેતું મૂકે છે. તેવી રીતે આજનો યોગ ચૂક્યા તો મહિનાઓ ને વર્ષો સુધી આવો બીજો યોગ ન આવે.  

માટે ઊભા થાઓ, હિંમત રાખો, મજબૂત બનો, તમારા પર પૂરેપૂરી જવાબદારી લો અને વિઝન સાથે પુરુષાર્થ કરવા મંડી પડો. તમારા ભાગ્યના દ્રષ્ટા તમે જ બની શકો છો.    

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો