હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે તાત્કાલિક વેધર બુલેટિન જારી કરવામાં આવ્યું છે. સવારે 11 થી 2 વાગ્યા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ પ્રતિ કલાકે 40 કિલોમીટરની આસપાસ રહેવાનું અનુમાન છે, જેને પગલે માર્ગો અને ખુલ્લા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ
તાજી આગાહી અનુસાર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, ખેડા અને વડોદરા જિલ્લામાં મેઘરાજા ગાજવીજ સાથે તોફાની એન્ટ્રી કરી શકે છે.
આ સ્થળોએ પણ વરસાદી ઝાપટાં
આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, આણંદ, અરવલ્લી, ગાંધીનગર તેમજ બનાસકાંઠા અને અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની તીવ્ર શક્યતાઓ
દક્ષિણ ગુજરાત અને સરહદી વિસ્તારોની વાત કરીએ તો તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર हवेલીમાં પણ હવામાન વિભાગે પવન અને વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવી છે. વાતાવરણમાં સર્જાયેલા આ અચાનક ફેરફારને પગલે નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન વૃક્ષો કે વીજળીના થાંભલા નીચે ઉભા ન રહેવા અને સલામત સ્થળે આશ્રય લેવાની અપીલ કરવામાં આવી છે.
