અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અસહ્ય ઉકળાટ અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકોને આ વરસાદી માહોલથી મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે.
ગાંધીનગરના કોબામાં ધીમીધારે વરસાદની શરૂઆત
પાટનગર ગાંધીનગરના કોબા વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે અહીં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. અસહ્ય બફારા બાદ વરસાદી હેલી આવતા જ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ
બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપે વરસ્યા હતા. શહેરના થલતેજ, સોલા, ગોતા અને બોપલ જેવા પશ્ચિમ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને એસ.જી. હાઇવે પર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ભારે વરસાદના કારણે હાઇવે પર વિઝિબિલિટી (દ્રશ્યતા) નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી, જેના કારણે અમદાવાદ-ગાંધીનગર હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી.

કાલુપુરમાં અમી છાંટણા થતાં ભક્તો ઝૂમી ઉઠ્યા
પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદ વચ્ચે પૂર્વ વિસ્તારના કાલુપુર અને દરિયાપુર તંબુ ચોકી આસપાસના વિસ્તારોમાં ધીમા અમી છાંટણા શરૂ થયા હતા. વરસાદની આ હળવી એન્ટ્રીથી રથયાત્રા કે ધાર્મિક માહોલમાં લીન ભક્તોમાં ભારે આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો. કાલુપુર વિસ્તાર ‘જય રણછોડ, માખણ ચોર’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો હતો. ગરમી અને બફારાની વચ્ચે વરસેલા આ વરસાદે અમદાવાદીઓ અને ગાંધીનગરવાસીઓના ચહેરા પર ખુશી લાવી દીધી છે.
https://twitter.com/sandeshnews/status/2077724350229434838
આ પણ વાંચો - Amit Shahની અધ્યક્ષતામાં ‘કમલમ’ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક, આ મુદ્દાઓ પર મંથન