ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ હવે વરસાદની ગતિ ધીમી પડી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલના સંજોગોમાં ગુજરાતના આકાશ પર વરસાદ લાવે તેવી કોઈ પણ મોટી કે મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય નથી. સિસ્ટમના અભાવે રાજ્યમાં આગામી દિવસોમાં મુશળધાર કે, અતિભારે વરસાદ પડવાની કોઈ શક્યતા દેખાતી નથી. જોકે, સ્થાનિક વાતાવરણના બદલાવને કારણે 10 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો અને સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.

સિઝનના સરેરાશ વરસાદમાં 13 ટકાની ઘટ

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી, જેના કારણે ખેડૂતો અને વહીવટી તંત્રની ચિંતામાં થોડો વધારો થયો છે. આંકડાકીય વિગતો મુજબ, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ 187.2 MM વરસાદ થવો જોઈતો હતો, પરંતુ તેની સામે અત્યાર સુધી માત્ર 162.5 MM સિઝનનો વરસાદ જ નોંધાયો છે. આમ, હાલની સ્થિતિએ ગુજરાતમાં જરૂરિયાત કરતા 13 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના

આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડશે, તેની વાત કરીએ તો, મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બાકીના વિસ્તારોમાં મોટાભાગે હવામાન સૂકું રહેશે અથવા સામાન્ય બફારો અનુભવાશે.

https://twitter.com/sandeshnews/status/2075518839660634136

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિ વધશે

રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં 10 જુલાઈ અને 11 જુલાઈના દિવસ દરમિયાન મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે. જોકે, ભારે વરસાદની કોઈ શક્યતા નથી, માત્ર પલટો આવી શકે છે. આ સાથે જ આગામી દિવસોમાં રાજ્યભરમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

12-13 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાનમાં થઈ રહેલા આ ફેરફારો અને તેજ પવનની ફૂંકાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આગામી 12 અને 13 જુલાઈના રોજ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે અને કરંટ વધી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને આ બે દિવસ દરમિયાન દરિયો ન ખેડવાની કડક સૂચના અને ચેતવણી આપવામાં આવી છે.


આ પણ વાંચો - Weather Update: દિલ્હી, UP-બિહાર સહિત 14 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, Video