અમદાવાદ જિલ્લાના ધોળકા અને ધોલેરા વિસ્તારમાં આવેલા વણિતળાવ ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભોગાવો નદીમાં પાણીની સપાટીમાં ચિંતાજનક વધારો થયો છે. ભોગાવો નદીના ધસમસતા પ્રવાહના કારણે વણિતળાવ ગામ સંપૂર્ણપણે પાણીથી ઘેરાઈ ગયું છે અને જોતજોતામાં ટાપુ એટલે કે બેટમાં ફેરવાઈ ગયું છે. ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
NDRF અને પોલીસ દ્વારા સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન
ગામમાં પૂરના પાણી ઘૂસી જતાં અને સંપર્ક વિહોણું થતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ, અમદાવાદ જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમ દ્વારા સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગામમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે બોટ અને અન્ય સુરક્ષા સાધનોની મદદ લેવામાં આવી રહી છે. સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
https://www.instagram.com/sandeshnews/reel/DbSTGUkgPQC/
એપ્રોચ રોડ ગરકાવ, રસ્તાઓ કરાયા બંધ
નદીમાં આવેલા પૂરના કારણે આનંદપુર અને બુરાનપુર તરફ જતો એપ્રોચ રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂરના પાણી રસ્તા પર ફરી વળતાં સ્થિતિ અત્યંત જોખમી બની છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસે આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાવી દીધો છે. લોકો અજાણતા પણ પાણીના ભારે પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

પ્રશાસનની નાગરિકોને ખાસ અપીલ
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે, તેઓ બંધ કરવામાં આવેલા રસ્તાઓ પર જવાનું સાહસ ન કરે અને કોઈ પણ જાતનું જોખમ ન લે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.
આ પણ વાંચો - Ahmedabad Rain Update: બોપલમાં તંત્રની પોલ ખૂલી, સામાન્ય વરસાદમાં સોસાયટીઓમાં ફરી ભરાયા પાણી