અમરેલી જિલ્લામાં ચોમાસાની સિઝનનો સૌથી ભયાનક નજારો મોડી રાત્રે જોવા મળ્યો છે. ખાંભા અને ગીર પંથકમાં મોડી રાત્રે શરૂ થયેલા અનરાધાર વરસાદે સમગ્ર વિસ્તારને જળબંબાકાર કરી દીધો છે. મેઘરાજાની આ તોફાની બેટિંગને કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે અને ગ્રામ્ય વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે.
ધાતરવડી અને હડિયો નદીમાં આવ્યું ઘોડાપૂર
ઉપરવાસમાં આવેલા મીતીયાળા જંગલ વિસ્તારમાં ખાબકેલા ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાંભા પંથકની જીવાદોરી સમાન ધાતરવડી નદી અને હડિયો નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. નદીઓ બે કાંઠે વહેતી થતાં પૂરના ધસમસતા પાણી કાંઠા વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારો તરફ વળ્યા હતા.
નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, ઘરવખરીને ભારે નુકસાન
હડિયો નદી અને પૂરના આ પાણી ખાંભાના નીચાણવાળા વિસ્તારો તેમજ દાઢીયાળી રોડ પર આવેલા ઘરોમાં ઘૂસી ગયા હતા. મોડી રાત્રે અચાનક પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો પોતાની જાન બચાવવા સુરક્ષિત સ્થળે દોડ્યા હતા, પરંતુ ઘરોમાં પાણી ભરાઈ જવાથી અનાજ, ફર્નિચર સહિતની તમામ ઘરવખરી પલળી જતાં મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
https://twitter.com/sandeshnews/status/2073459508307759604
મુખ્ય વાહન વ્યવહાર 2 કલાક ઠપ્પ
પૂરની પરિસ્થિતિને કારણે ખાંભાથી દાઢીયારી અને થોરડી થઈને રાજુલા જતો મુખ્ય માર્ગ ભારે વરસાદી પાણીના વહેણને કારણે અંદાજે બે કલાક સુધી સંપૂર્ણપણે બંધ રહ્યો હતો. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. સવાર થતાં પાણી ઓસરવાનું શરૂ થતાં તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ રાત્રિના મેઘતાંડવે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે.
આ પણ વાંચો - વાંચો 5 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે