દાહોદ જિલ્લામાં લાંબા સમયની રાહ બાદ આખરે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ રવિવારે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. દાહોદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતાં સ્થાનિક લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. જે કારણે સમગ્ર પંથકનું તાપમાન ગગડ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
વાતાવરણમાં આવેલા પલટાની સાથે જ દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. દાહોદ જિલ્લાના પુસરી, કતવારા, ગમલા તેમજ તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ માવઠા અથવા વરસાદી આગમનથી વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી સ્થાનિકોમાં આનંદનો માહોલ છે.













