ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ આકાશી આફત તૂટી પડી છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળાઓ ઉભરાયા છે, માર્ગો ધોવાયા છે અને વીજ પુરવઠો ખોરવાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યભરમાં ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં માર્ગો તૂટવા અને રસ્તા બેસી જવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે.
રાજ્યમાં વરસાદના આંકડા: સૌરાષ્ટ્રમાં સૌથી વધુ, કચ્છ કોરુંધાકોર
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 17.26 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 23.33 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 20.83 ટકા નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 12.35 ટકા અને ઉત્તર ગુજરાતમાં 10.42 ટકા વરસાદ થયો છે, જ્યારે કચ્છમાં સૌથી ઓછો માત્ર 0.42 ટકા વરસાદ નોંધાયો છે.

વાહનવ્યવહાર ઠપ્પ: રાજ્યના 80 માર્ગો બંધ, અમરેલી સૌથી વધુ પ્રભાવિત
ભારે વરસાદને પગલે રાજ્યના 80 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે. જેમાં 3 નેશનલ હાઈવે અને 7 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. પંચાયત હસ્તકના 58 ગ્રામ્ય માર્ગો અને 12 સ્થાનિક માર્ગો પ્રભાવિત થયા છે. સૌથી વરવી સ્થિતિ અમરેલી જિલ્લામાં છે, જ્યાં 29 રસ્તા બંધ છે, જ્યારે નવસારીમાં 17 અને ગીર સોમનાથમાં 12 રસ્તા બંધ છે.

અંધારપટની સ્થિતિ: 66 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે પવન અને વરસાદના કારણે રાજ્યના વીજ માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. રાજ્યના 66 ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ ગયો છે. વરસાદના કારણે 414 ફીડર અને 39 ટ્રાન્સમીટર બંધ થઈ જતાં તંત્ર દ્વારા તેને યુદ્ધના ધોરણે રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

ગારીયાધારમાં આફત: પૂરના કારણે નાળું તૂટ્યું, રાણીગામ બેટમાં ફેરવાયું
ભાવનગરના ગારીયાધારમાં પૂરના પ્રચંડ પ્રવાહને કારણે નાળું તૂટી પડ્યું છે, જેને પગલે રાણીગામથી જેસર જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. શેત્રુંજી નદીના પૂરના પાણી ફરી વળતાં રાણીગામ ફરતે પાણી જ પાણી થઈ ગયું છે. સ્થાનિક તંત્ર દ્વારા જેસીબીની મદદથી રિપેરિંગ કામગીરી હાથ ધરી છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં તંત્રની પોલ ખુલી: અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પૂલ
સુરેન્દ્રનગરમાં ચોમાસાની શરૂઆતમાં જ પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. આંબેડકર ચોક નજીક આવેલા અંડરબ્રિજમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોના મતે દર વર્ષે અહીં પાણી ભરાવવાની સમસ્યા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે.

અમદાવાદના શીલજમાં રોડ બેસી ગયો: ખોદકામે નોતરી આફત
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા શીલજ સર્કલ પાસે જમીન બેસી જવાની ઘટના સામે આવી છે. આર્યમાન બંગલો રોડ પર રોડની સાઈડમાં ખોદકામ કરવામાં આવ્યું હોવાના કારણે જમીન બેસી ગઈ છે, જેને પગલે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે.

હિંમતનગરમાં ભ્રષ્ટાચારનો ખાડો: રેતી ભરેલો ટ્રક ગરકાવ
સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા મહાવીરનગરમાં રોડ બેસી જતાં મસમોટો ખાડો પડી ગયો છે. પાણીની પાઈપલાઈન તૂટવાને કારણે રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. રોડ બેસી જવાની આ ઘટનામાં રેતી ભરેલો એક આખો ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો.

અમરેલીના ધારીમાં તારાજી: હીરાના કારખાનાઓમાં પાણી ઘૂસ્યા
અમરેલીના ધારી પંથકમાં મૂશળધાર વરસાદે ભારે તારાજી સર્જી છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે હીરાના કારખાનાઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. કારખાનાઓમાં પાણી ભરાવાને કારણે માલિકો અને રત્નકલાકારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

લુંવારા ગામ સંપર્કવિહોણું: શેત્રુંજી નદી બે કાંઠે થતાં રસ્તાઓ બંધ
ભાવનગરના ગારીયાધારના લુંવારા ગામે મેરામણના પાણી રોડ પર ફરી વળ્યા છે. અમરેલીમાં પડેલા ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે ગારિયાધારથી સાવરકુંડલા અને જેસર તરફ જતો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને વાહનવ્યવહાર ખોરવાયો છે.

રાજુલામાં ધાતરવડી નદી રૌદ્ર સ્વરૂપે: સંરક્ષણ પાળો તૂટતાં ભયનો માહોલ
અમરેલીના રાજુલામાં ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવતા પાણીનો પ્રવાહ પ્રચંડ બન્યો છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે નદીનો સંરક્ષણ પાળો તૂટી ગયો છે. પાળો તૂટતાં જ નજીકમાં આવેલી દીવાલ અને સ્મશાનને ભારે નુકસાન થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જવાની ભીતિ સેવાતા ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક મદદની ગુહારી લગાવી છે.

આ પણ વાંચો - Gandhinagar News: કલોલના મોટી ભોંયણ ગામે વીજળી પડતાં 63 પશુના મોત