ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદને લઈને ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
ગાંધીનગર, ભાવનગર અને ઉત્તર-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 'ઓરેન્જ એલર્ટ'
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે, જેના પગલે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને ભાવનગર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ તમામ જિલ્લાઓમાં પણ સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
