Heavy Rain: હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ છે. ત્યારે આ વચ્ચે હવે ભાર વરસાદને ળઈને તંત્ર પણ સજ્જ છે. જેને લઈને ઠેર-ઠેર NDRF ની ટીમોને એલર્ટ કરવામાં આવી છે. તેમજ અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ બાય રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગે અનેક જિલ્લામાં ચેતવણી આપી છે.
મળતી માહિતી અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સંભવિત ભારે વરસાદ અને તેને પગલે ઊભી થતી પરિસ્થિતિનો સામનો કરવા માટે NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં NDRFની કુલ 9 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં અમરેલી, બનાસકાંઠા, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFની ટીમો ખડેપગે રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કચ્છ, સુરત અને વલસાડ જિલ્લામાં પણ NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
વડોદરામાં NDRFની બે ટીમોને સ્ટેન્ડબાય
આ સિવાય વડોદરામાં NDRFની બે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદને કારણે પૂર, પાણી ભરાવા અથવા અન્ય કોઈ ઇમરજન્સીની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
વરસાદની સ્થિતિ પર સતત નજર
આ ઉપરાંત રાજ્યમાં SDRFની 29 ટીમોને પણ અલગ-અલગ જિલ્લાઓમાં સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં ખસેડવાની તૈયારી રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોને પણ વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Manipurમાં ભડકી હિંસા, 24 કલાકમાં 4 લોકોના મોત; 6 વર્ષના બાળકને વાગી ગોળી