ગુજરાતમાં ચોમાસાના પ્રચંડ રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ સુધીનો ખાબકેલો વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં હજારો એકર જમીન ધોવાઈ જતાં ખેડૂતો પાયમાલ થયા છે. અનેક સ્ટેટ હાઇવે અને ગ્રામીણ રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.

જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં 19 થી વધુ ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં રેકોર્ડબ્રેક 19.61 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માળિયા હાટીનામાં 13.98 ઇંચ અને કેશોદમાં પણ સાડા નવ ઇંચ જેટલો અનરાધાર વરસાદ નોંધાયો છે. માંગરોળના ગ્રામ્ય વિસ્તારો સંપૂર્ણ સંપર્કવિહોણા બન્યા છે.

https://twitter.com/sandeshnews/status/2073085744382656665

વલસાડમાં માત્ર 2 કલાકમાં 6 ઇંચ, પહેલા માળ સુધી પાણી

દક્ષિણ ગુજરાતના વલસાડમાં શુક્રવારે વહેલી સવારે વાવાઝોડા જેવા પવન સાથે મેઘરાજા તૂટી પડ્યા હતા. માત્ર ૨ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં તિથલ રોડ, નાનકવાડા અને ખારીયા રોડ બેટમાં ફેરવાઈ ગયા હતા. રહેણાંક સોસાયટીઓમાં પહેલા માળ સુધી ગળાડૂબ પાણી ભરાઈ ગયાના અહેવાલ છે.

https://twitter.com/sandeshnews/status/2073046968130302232

નવસારીના ચીખલી અને વાંસદામાં 9 ઇંચથી વધુ વરસાદ

નવસારી જિલ્લામાં પણ ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચીખલી અને વાંસદા તાલુકામાં થોડા જ કલાકોમાં 9 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા સ્થાનિક લોકમાતાઓ ઉભરાઈ ગઈ છે અને કાવેરી તેમજ અંબિકા નદીના પૂરના પાણી નીચાણવાળા રસ્તાઓ પર ફરી વળ્યા છે.

https://twitter.com/sandeshnews/status/2072982084117766156

તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર

તાપી જિલ્લાના ડોલવણ પંથકમાં 7 ઇંચ વરસાદ પડતાં અંબિકા નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું છે. આ પૂરના કારણે સુરત અને નવસારીના કાંઠાના વિસ્તારો પર પૂરનું મોટું સંકટ મંડાણ પામ્યું છે.

https://twitter.com/sandeshnews/status/2073100598820618435

કડીમાં વહેલી સવારે 2 કલાકમાં 9 ઇંચ વરસાદ

ઉત્તર ગુજરાતના મહેસાણાના કડીમાં વહેલી સવારે વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર બે કલાકમાં 9 ઇંચ ધોધમાર વરસાદ ઝીંકાતા આખું કડી શહેર જળમગ્ન થયું છે અને આણખોલ ગામ પાસેનો અંડરપાસ ડૂબી જતાં વાહનવ્યવહાર ઠપ્પ થયો છે

https://twitter.com/sandeshnews/status/2073023549393240503

વલસાડ અને વાપીમાં જળબંબાકાર સ્થિતિ, ઘરોમાં ઘૂસ્યા પાણી

દક્ષિણ ગુજરાતના વલસાડ અને ઔદ્યોગિક નગરી વાપીમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. કાશ્મીરા નગર અને છીપવાડ જેવા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ અને ઘરવખરીનો સામાન નાશ પામ્યો છે. અહીં વહીવટી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે.

https://twitter.com/sandeshnews/status/2073027559349272931

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક

નવસારી શહેરમાં સતત ઉપરવાસના વરસાદને કારણે પૂર્ણા નદી ઉભરાઈ છે. નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. શાંતિદેવી રોડ અને મિથિલા નગરી જેવા રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રહીશોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે.

https://twitter.com/sandeshnews/status/2073099773981434224

જૂનાગઢ વાંદરવડ ગામ નજીક એસટી બસ ફસાઈ 

સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. પહાડી વિસ્તારોમાંથી ધસમસતા પાણી શહેરી વિસ્તારોમાં ધસી આવ્યા છે. જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને ઉભેલી ગાડીઓ તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢ વાંદરવડ ગામ નજીક એસટી બસ ફસાઈ હતી.

https://twitter.com/sandeshnews/status/2073038890798391336

વીજપોલ ધરાશાયી અને રસ્તાઓ ધોવાયા

ભારે પવન અને વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં 200થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે, જેના કારણે અંદાજે પચાસથી વધુ ગામડાઓ અંધારપટમાં ડૂબી ગયા છે. સ્ટેટ હાઇવે પર મોટા ખાડા પડી જવાથી અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરવો પડ્યો છે.

ખેતીવાડીને ફટકો, વાવણી નિષ્ફળ જવાની ભીતિ

સૌરાષ્ટ્ર અને ચરોતર પંથકમાં જે ખેડૂતોએ તાજેતરમાં જ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું, તેમના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક સડી જવાની અને સિઝનની શરૂઆતમાં જ મોટું આર્થિક નુકસાન થવાની ભીતિથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

રેલવે અને એસટી બસ સર્વિસ ખોરવાઈ

મુંબઈ-અમદાવાદ રેલવે લાઈન પર વલસાડ નજીક ટ્રેક પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં કેટલીક ટ્રેનોને 2 થી 3 કલાક મોડી દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત એસટી નિગમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો તરફ જતી અંદાજે 40થી વધુ બસ ટ્રિપો રદ કરવામાં આવી છે, જેથી મુસાફરો રેલવે સ્ટેશન અને બસ ડેપો પર અટવાયા છે.

NDRF ની ટીમો તૈનાત, માછીમારોને કડક સૂચના

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પ્રભારી મંત્રીઓને એક્શનમાં રહેવા આદેશ અપાયા છે. વલસાડ, નવસારી અને ગીર સોમનાથમાં એનડીઆરએફની 3 ટીમો તૈનાત કરી દેવાઈ છે. હવામાન વિભાગે દરિયામાં કરંટ હોવાના કારણે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા અને સામાન્ય નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા કડક એડવાઇઝરી જાહેર કરી છે.

પશુધનનું નુકસાન

જૂનાગઢના કેશોદ પંથકના પીપળી ગામે વોકળાના પૂરના પ્રચંડ પ્રવાહમાં ૪ જેટલી ગાયો અચાનક ફસાઈ ગઈ હતી અને પાણીનો વેગ એટલો તીવ્ર હતો કે ચારેય ગાયો લાઈવ વીડિયોમાં તણાતી જોવા મળી હતી.

વીજ માળખાને નુકસાન

ગાંધીનગર એનર્જી વિભાગના અહેવાલ મુજબ ભારે પવનના કારણે રાજ્યમાં 99 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા છે અને ૨૨૫ વીજ ફીડર્સ ખોરવાઈ જતાં ગ્રામીણ વિસ્તારોમાં ઘોર અંધારપટ છવાઈ ગયો છે.

માનવ રેસ્ક્યૂ

જામનગરના જામજોધપુરમાં ખરાવાડ વિસ્તારમાં બે બાળકો પૂરના પાણીમાં તણાતા સ્થાનિક કમલેશભાઈ નામના યુવકે દેવદૂત બનીને તેમનો જીવ બચાવ્યો હતો. આ તરફ ડાંગના જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ફસાયેલા ૪૧ પરપ્રાંતિય શ્રમિકોને બચાવવા વહીવટી તંત્ર કામે લાગ્યું છે.

https://twitter.com/sandeshnews/status/2072915396823306326

વાહન વ્યવહાર પર અસર

વલસાડના નાનકવાડા રોડ પર મારુતિ વાન કાર પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. વ્રજમી નદી પરનો મુખ્ય કોઝવે ધોવાઈ જતાં પાણકવા તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે.


આ પણ વાંચો - Gujarat Rain Update: રાત્રે 8 વાગ્યા સુધીમાં 156 તાલુકામાં જળબંબાકાર, જાણો કયા કેટલો વરસાદ?