બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે. દિયોદરમાં છેલ્લા 2 દિવસ દરમિયાન ધોધમાર 15 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ભારે વરસાદના કારણે દિયોદર સ્થિત ઔદ્યોગિક વસાહત એટલે કે GIDC વિસ્તાર પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે.

ઢીંચણસમા પાણી ભરાતા ઉદ્યોગો ઠપ્પ, કરોડોનું આર્થિક નુકસાન

જીઆઈડીસીના મુખ્ય માર્ગો અને શેરીઓમાં ઢીંચણસમા પાણી ભરાઈ જવાના કારણે તમામ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ છે. પાણીના નિકાલના યોગ્ય અભાવે ફેક્ટરીઓની અંદર પાણી ઘૂસી જતાં મશીનરી અને કાચો માલ નષ્ટ પામ્યો છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનું માતબર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કામદારો અને ઉદ્યોગપતિઓ ફેક્ટરીઓમાં જ ફસાયા

અચાનક ભારે પાણી ભરાઈ જવાના કારણે જીઆઈડીસીમાં ફરજ બજાવતા સેંકડો કામદારો અને ઉદ્યોગપતિઓ સુરક્ષિત બહાર નીકળી ન શકતા ફેક્ટરીઓની અંદર જ અટવાઈ ગયા છે. રસ્તાઓ પર નદી જેવો પ્રવાહ વહેતો હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે, જેના કારણે જીઆઈડીસીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા મુશ્કેલ બન્યા છે.

https://twitter.com/sandeshnews/status/2081024819165114416

તંત્ર સામે રોષ અને સ્થિતિ અત્યંત ગંભીર

માત્ર 2 દિવસમાં પડેલા 15 ઇંચ વરસાદને કારણે દિયોદરના આ મુખ્ય ઔદ્યોગિક એકમોને ભારે ફટકો પડ્યો છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોકળ વાતો સામે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી ઓસર્યા બાદ જ નુકસાનનું સાચું ચિત્ર સામે આવશે, પરંતુ હાલ સમગ્ર GIDC વિસ્તારમાં ચિંતાજનક માહોલ છવાયેલો છે.


આ પણ વાંચો - Tharad Rain Update: ભાભરમાં 24 કલાકમાં 11.30 ઇંચ વરસાદ, અધ્યક્ષ શંકર ચૌધરીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક