ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર વેરાવળ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. નીચાણવાળા વિસ્તારોથી લઈને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ મુશળધાર વરસાદની વચ્ચે ‘સંદેશ ન્યૂઝ’ની ટીમ દ્વારા વેરાવળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ‘ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ’ કરવામાં આવ્યું હતું, જેમાં તંત્રની પ્રી-મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

મુખ્ય બજારો બેટમાં ફેરવાઈ

ભારે વરસાદના કારણે વેરાવળનો હૃદયસમો ગણાતો ગાંધીચોક વિસ્તાર અને તેની આસપાસની મુખ્ય બજારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગઈ છે. કલાકોના વરસાદમાં જ આખો ગાંધીચોક વિસ્તાર જાણે કોઈ આર્ટિફિશિયલ સ્વિમિંગ પૂલ હોય તેવી સ્થિતિમાં જોવા મળ્યો હતો. મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે.

પ્રી-મોન્સૂન પ્લાનિંગ નિષ્ફળ

વેરાવળમાં આ વિકટ સ્થિતિ સર્જાવા પાછળ માત્ર કુદરતી આફત જ નહીં, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી પણ એટલી જ જવાબદાર છે. વેરાવળ શહેરમાં ભારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ નથી. પરિણામે, વરસાદી પાણી ગટરોમાં બેક મારતા રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા હતા. આ જોખમી અને ગંદા પાણીમાં નાના માસૂમ બાળકો ન્હાતા નજરે પડ્યા હતા, જે રોગચાળાને સીધું આમંત્રણ આપી રહ્યા છે. આ દ્રશ્યોએ સ્થાનિક વહીવટી તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે.

https://twitter.com/sandeshnews/status/2073087429561729449

વેપારીઓની સ્થિતિ અત્યંત કફોડી

બજારોમાં પાણી ભરાઈ જવાના કારણે સૌથી માઠી અસર સ્થાનિક વેપારીઓ પર પડી છે. ગાંધીચોક અને આસપાસના કોમર્શિયલ વિસ્તારોની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની સ્થિતિ અત્યંત કફોડી અને દયનીય બની ગઈ છે. દુકાનોમાં રાખેલો માલ-સામાન પલળી જતાં વેપારીઓને મોટા આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે. સ્થાનિક લોકો અને વેપારીઓમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Gujarat Rain Update: રાત્રે 8 વાગ્યા સુધીમાં 156 તાલુકામાં જળબંબાકાર, જાણો કયા કેટલો વરસાદ?