મહેસાણા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી પર આવેલ હીરપુરા બેરેજ ખાતે પાણીના સંગ્રહમાં અચાનક વધારો નોંધાયો છે. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે બેરેજમાં 900 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે. જેને પગલે જળસ્તરને સુરક્ષિત રીતે નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાયદાકીય અને સુરક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જળસ્તર નિયંત્રિત કરવા દરવાજો ખોલાયો: સાબરમતીમાં પાણી છોડાયું
બેરેજમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ ન પહોંચે તે માટે તંત્ર દ્વારા બેરેજનો 1 દરવાજો આંશિક રીતે (સામાન્ય) ખોલવામાં આવ્યો છે. જળસ્તરની પરિસ્થિતિ મુજબ જરૂરિયાત અનુસાર સાબરમતી નદીમાં પાણી છોડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે, જેથી નદી કાંઠાના વિસ્તારો પર અચાનક પૂરનું જોખમ ન રહે.
બે જિલ્લાના 8 ગામો હાઇ એલર્ટ પર, કયા-કયા ગામોનો સમાવેશ?
હીરપુરા બેરેજમાંથી પાણી છોડાતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બે જિલ્લા (મહેસાણા અને સાબરકાંઠા/હિંમતનગર) ના કુલ 8 ગામો ને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. જેમાં વિજાપુર તાલુકાના ગામો (મહેસાણા): હીરપુરા, ગણેશપુરા, જુનાસંઘપુર અને ધનપુરા, હિંમતનગર તાલુકાના ગામો: દેરોલ, સરોલી, ગેડ અને વાગપુરનો સમાવેશ થાય છે.
તંત્રની કડક તાકીદ, નદીના પટમાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ
સુરક્ષાના આગોતરા ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના રહીશો, ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે કડક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. નદીના પટમાં જવા, અવરજવર કરવા, સ્નાન કરવા કે પશુપાલકોએ પોતાના પશુઓને નદી કિનારે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને સતર્ક રહેવા આદેશ
સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ઉચ્ચ કક્ષાએથી સ્થાનિક મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને ગ્રામ્ય સ્તરે સતત નિરીક્ષણ હાથ ધરવા અને કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતર્ક રહી જરૂરી તમામ પગલાં લેવા આદેશ કરી દેવાયા છે.
આ પણ વાંચો - Gujarat Rain News: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગનું રેડ એલર્ટ