દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના રહીશો અને ધરતીપુત્રો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયની રાહ બાદ મેઘરાજાએ ધમાકેદાર પ્રારંભ કર્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા, પારડી તેમજ નાનાપોન્ધા સહિતના ગ્રામીણ અને તાલુકા મથકોના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણમાં પ્રસરી ભારે ઠંડક

છેલ્લા કેટલાક દિવસોથી વલસાડ જિલ્લામાં લોકો આકરા તડકા, અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. જોકે, સોમવારના રોજ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થતાં જનતાને મોટી રાહત મળી છે. ધોધમાર વરસાદના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે, અને સમગ્ર વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે.

જૂન મહિનો કોરો જતાં ચિંતાતુર બનેલા ધરતીપુત્રોના ચહેરા ખીલ્યા

વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત વહેલી થતી હોય છે, પરંતુ આ વર્ષે જૂન મહિનો લગભગ વરસાદ વગરનો એટલે કે કોરો રહેતા ધરતીપુત્રો ઊંડી ચિંતામાં મુકાયા હતા. વલસાડ જિલ્લામાં હજુ સુધી વાવણીલાયક કે ખેતીલાયક પૂરતો વરસાદ ન થયો હોવાથી ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. ત્યારે સોમવારની વહેલી સવારથી શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે જગતના તાતના ચહેરા પર ફરી એકવાર સ્મિત આવી ગયું છે.

https://twitter.com/sandeshnews/status/2071519533639348558

વલસાડમાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ શરૂ થવાના સંકેત

હવામાનમાં આવેલા આ સાનુકૂળ પલટા અને આ શરૂ થયેલા સાર્વત્રિક વરસાદને જોતા સ્થાનિક લોકો અને કૃષિ નિષ્ણાતો એવું માની રહ્યા છે કે, હવે વલસાડ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ ચૂકી છે. આ વરસાદ જો આગામી 24 કલાક ચાલુ રહેશે, તો ખેડૂતો ખેતરોમાં ડાંગર સહિતના પાકની વાવણીના કામોમાં જોતરાઈ જશે. હાલમાં તો વલસાડ વાસીઓ આ પ્રથમ મોટા વરસાદની મન ભરીને મજા માણી રહ્યા છે.


આ પણ વાંચો - Valsad: વિરામ બાદ મેઘરાજાની ઇનિંગ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર, નીચાણવાળા વિસ્તારોમાં વહી નીકળ્યા પાણી