ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીએ મધરાતે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું સમગ્ર રાજ્યમાં મધ્યરાત્રિએ અચાનક ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં રાત્રિના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ માઠા સમાચાર દાહોદથી આવી રહ્યા છે, જ્યાં રાત્રે આવેલા કપરા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે અને આ આકાશી આફતને કારણે કમનસીબે બે લોકોના મોત નિપજ્યા છે.
ભારે વરસાદ અને વીજળી ગૂલ
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કુદરતનો પ્રકોપ સૌથી વધુ જોવા મળ્યો છે. ખેડા જિલ્લામાં રાત્રે મૂશળધાર વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં નડીયાદ સહિત તમામ 11 તાલુકાઓ પાણી-પાણી થઈ ગયા છે. આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ રાત્રે વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે ગોધરા અને આસપાસના વિસ્તારોને ધમરોળ્યા હતા. છોટાઉદેપુરમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો, જેમાં જેતપુર પાવી વિસ્તારમાં ભારે પવનના કારણે વીજળી ગૂલ થઈ ગઈ હતી અને લોકોએ અંધારપટનો સામનો કરવો પડ્યો હતો.
