ગુજરાતમાં ડબલ ઋતુનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના નાગરિકો અત્યારે કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે, ત્યારે જ હવામાન વિભાગ તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગરમીની વચ્ચે જ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી તેમજ સુરત, નર્મદા, દ્વારકા, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.
ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત રહેશે
વરસાદની આ આગાહી વચ્ચે પણ રાજ્યમાં ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત રહેશે. આગામી દિવસોમાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.
અમદાવાદ 42.8 ડિગ્રી તાપમાન
તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદ 42.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, પાટનગર ગાંધીનગરમાં 42.1 ડિગ્રી, ભાવનગરમાં 42.1 ડિગ્રી, રાજકોટમાં 41.2 ડિગ્રી, વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી અને અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ઉત્તર ગુજરાતના ડીસામાં 40.3 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી અને સુરતમાં પારો 35.4 ડિગ્રી રહ્યો છે. બપોરના સમયે ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી રહી છે, ત્યારે આ અણધાર્યો વરસાદ લોકોને ગરમીથી થોડી રાહત આપશે કે બફારો વધારશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી