અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે સમગ્ર શહેરમાં આભ ફાટ્યું હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ 11.63 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ અને સાઉથ વેસ્ટ ઝોનમાં વરસાદે સૌથી વધુ તારાજી સર્જી છે, જ્યાં ઝોનનો સરેરાશ વરસાદ 16. 87 ઇંચ નોંધાયો છે.
સતત અપડેટ મેળવવા આ પેજ રિફ્રેશ કરતા રહો
અમદાવાદ માટે મોટી રાહત! રેડ એલર્ટ હટ્યું, આગામી 3 કલાક ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી
અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા નાવકાસ્ટ બુલેટિન મુજબ અમદાવાદમાંથી રેડ એલર્ટ હટાવી લેવામાં આવ્યું છે. જોકે, ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી, રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટે શહેરને ઓરેન્જ એલર્ટ હેઠળ રાખી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ હજુ પણ યથાવત રાખવામાં આવ્યું છે, જેથી તે વિસ્તારોમાં તંત્રને એલર્ટ મોડ પર રહેવા સૂચના અપાઈ છે.
અમદાવાદ ગ્રામ્યના માંડલમાં 2 દિવસ બાદ પાણી ઓસર્યા!
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથક ગણાતા માંડલમાં છેલ્લા બે દિવસથી વરસેલા ભારે વરસાદ બાદ હવે રોડ-રસ્તા પરથી પાણી ઓસરવાના શરૂ થયા છે. સતત બે દિવસ સુધી સર્જાયેલી જળબંબાકારની સ્થિતિના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. એસ.ટી. બસ સેવાઓ અને ખાનગી પરિવહન સંપૂર્ણપણે ઠપ થઈ જતાં મુસાફરો અટવાયા હતા. ખાસ કરીને વિરમગામ-દસાડા માર્ગ બંધ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને અનેક લોકો રસ્તામાં ફસાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નીચાણવાળા વિસ્તારોમાંથી 500 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ઓઢવમાં ડ્રેનેજકામ બાદ રસ્તો બેસી ગયો! બેરિકેડ લગાવી સંતોષ માનતું તંત્ર, વાહનવ્યવહાર પ્રભાવિત
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં તંત્રની ભારે બેદરકારી સામે આવી છે, જ્યાં સોનીની ચાલીથી ઓઢવ જતો મહત્વનો રસ્તો બેસી ગયો છે. તાજેતરમાં જ આ રોડ પર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કામ પૂર્ણ થયા બાદ યોગ્ય પુરાણ ન કરવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે. જોખમી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી સમારકામ કરવાને બદલે માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોનો વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે.
અમદાવાદના મકરબામાં વરસાદ વિરામ છતાં જળબંબાકાર! ગટર બેક મારતા સ્થાનિકોમાં ભારે રોષ
બ્રેકિંગ અપડેટ્સ: અમદાવાદમાં વરસાદ અટકી ગયા બાદ પણ મકરબા વિસ્તારમાં પરિસ્થિતિ વણસેલી જ છે. વિસ્તારના મુખ્ય રોડ પર હજુ પણ ઢીંચણસમા પાણી ભરાયેલા રહેતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદી પાણીની સાથે ગટરોના પાણી બેક મારતા દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિકો આવા ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. દિવસો વિત્યા છતાં પાણી ન ઓસરતાં અને ગટર લાઈનની યોગ્ય સફાઈ કે નિકાલ ન થતાં સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ-માળિયા હાઈવે પાણીમાં ગરકાવ! એક તરફનો રસ્તો સંપૂર્ણ બંધ, વાહનવ્યવહાર પ્રભાવિત
ભારે વરસાદના કારણે અમદાવાદ-માળિયા હાઈવે પર ભયાનક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર મોટા પ્રમાણમાં પાણી ફરી વળતાં રસ્તાની એક સાઈડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. હાઈવે પરથી પસાર થતાં નાના-મોટા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને હાઈવે પર વાહનોના લાંબા થાપા ન લાગે તે માટે તંત્ર દ્વારા ટ્રાફિકને સુરક્ષિત અને વૈકલ્પિક માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
AMCની પોકળ કામગીરીનો પર્દાફાશ! પાણી ભરાવા મુદ્દે કમિશનર અને ચેરમેનના આંકડામાં મોટો વિરોધાભાસ
અમદાવાદમાં ભારે વરસાદ બાદ AMCની કામગીરીના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્રની બેદરકારી અને આંકડાઓની રમતનો પર્દાફાશ થયો છે, જ્યાં AMC કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળ્યો છે. કમિશનરે દાવો કર્યો હતો કે 79 સોસાયટીઓમાંથી પાણી ઓસરી ગયા છે અને રસ્તા પર ક્યાંય પાણી નથી, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્વીકાર્યું કે 79 સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલાં છે. કમિશનરના આ પોકળ દાવાઓની પોલ ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રી જગદીશ વિશ્વકર્માની મુલાકાત વખતે ખુલ્લી પડી ગઈ હતી, જ્યાં તેઓ ભરાયેલા વરસાદી પાણીમાં ચાલતા કેમેરામાં કેદ થયા હતા. પોતાની જ સરકારી દાવાઓ અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચેનો આ તફાવત તંત્રની નબળી કામગીરી દર્શાવે છે
20 વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ, AMC કમિશનરનો ગ્રાઉન્ડ રિપોર્ટ
અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ આવતીકાલે શાળા-કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. શહેરની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતા AMC કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં 20 વર્ષ બાદ એકસાથે આટલો ભયાનક વરસાદ નોંધાયો છે, જેમાં બોપલ વિસ્તારમાં સૌથી વધુ 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં શંકર ભુવન ચાલીમાંથી 200 લોકોનું શિફ્ટિંગ અને સાબરમતી રબારી વાસમાંથી 11 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. હાલ 107 પંપ દ્વારા પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે તથા 270 મેટ્રિક ટન કાદવ-કીચડ દૂર કરાયો છે. મુખ્યમંત્રીએ પણ બોપલ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. ચાંદલોડિયા સિવાયના તમામ અંડરપાસ ખુલ્લા કરી દેવાયા છે અને AMTS-BRTS સેવાઓ ચાલુ છે. આગામી સમયમાં પણ ભારે વરસાદની કડક આગાહી હોઈ નાગરિકોની સુરક્ષા માટે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ભારે વરસાદના કારણે GPSCની 26 જુલાઈની તમામ પરીક્ષાઓ મોકૂફ! વિદ્યાર્થીહિતમાં નિર્ણય
રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 26 જુલાઈના રોજ યોજાનાર તમામ પ્રિલિમિનરી (પ્રાથમિક) પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. આ દિવસે અલગ-અલગ કુલ 34 જેટલી સરકારી ભરતી જાહેરાતો માટેની પ્રાથમિક કસોટીઓ યોજાવાની હતી. જોકે રાજ્યભરમાં વાહનવ્યવહાર અને પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓને કારણે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં પડનારી હાલાકીને ધ્યાને રાખી આયોગ દ્વારા આ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ગ્રાઉન્ડ પર!
અમદાવાદમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાતે પહોંચી રહ્યા છે. તેઓ શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા રખિયાલ અને ગોમતીપુરમાં ભરાયેલા પાણી અને સ્થાનિકોની સમસ્યાઓનો તાગ મેળવવા માટે રૂબરૂ પહોંચશે. મુલાકાત દરમિયાન તેઓ અસરગ્રસ્ત નાગરિકો સાથે વાતચીત કરી તેમની હાલાકી જાણશે તથા સ્થાનિક પ્રશાસન સાથે રાહત અને પાણી નિકાલની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી ઝડપી કામગીરી માટે નિર્દેશ આપશે.
રાજ્યના DGPએ SEOCની મુલાકાત લીધી! નાગરિકોને વર્ક ફ્રોમ હોમ કરવા અપીલ
રાજ્યમાં સર્જાયેલી વરસાદી આફત વચ્ચે રાજ્યના DGPએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને તમામ જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર રાજ્યમાં SDRF અને NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. DGPએ નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને લોકોને શનિ-રવિમાં શક્ય હોય ત્યાં સુધી 'વર્ક ફ્રોમ હોમ' કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. આ ઉપરાંત, જળબંબાકાર વચ્ચે અમદાવાદ શહેરમાં વાહનવ્યવહાર પૂર્વવત કરવા અને ટ્રાફિક ક્લિયર કરાવવા માટે વધારાનો પોલીસ કાફલો રસ્તા પર તૈનાત કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદની શાળા-કોલેજોમાં આવતીકાલે પણ રજા જાહેર! આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રહેશે
અમદાવાદમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિ અને હવામાન વિભાગની આગામી કડક આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે શનિવારે (25 જુલાઈ) શહેરની તમામ શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને નાના બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં શહેરની તમામ આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વરસાદી આફત અને જળબંબાકાર વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્રે આ સુરક્ષાત્મક પગલું ભર્યું છે.
અમદાવાદમાં જળબંબાકારથી શાકભાજી-દૂધનો સપ્લાય ખોરવાયો!
અમદાવાદમાં ભારે વરસાદ બાદ પણ અનેક વિસ્તારોમાં હજુ સુધી ઘૂંટણસમા પાણી ભરાયેલા રહેતાં પરિસ્થિતિ વણસી રહી છે. જળબંબાકારની સીધી અસર હવે રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠા પર પડી છે. દૂધ, બ્રેડ અને શાકભાજી વહન કરતા વાહનો સમયસર પાણી ભરાયેલા વિસ્તારો સુધી પહોંચી શકતા નથી. તેના કારણે શાકભાજી મંડળીઓ અને સ્થાનિક વેપારીઓ પાસે માલસામાન ખૂટી રહ્યો છે, જ્યારે નાગરિકો માટે દૈનિક જરૂરિયાતો મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે. દૂધ-શાકભાજીની તંગી અને વિલંબના કારણે સ્થાનિકો તેમજ નાના વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
વરસાદ વિરામ છતાં અમદાવાદમાં જળબંબાકાર યથાવત!
અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ન ઓસરતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની લાચારી સામે આવી છે. ભારે વરસાદ બાદ સર્જાયેલી આ સ્થિતિ અંગે તંત્ર પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી. શહેરમાં કુલ 126 માંથી હજુ પણ 79 સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે, જેમાંથી મોટાભાગની પશ્ચિમ અમદાવાદની સોસાયટીઓ છે (તંત્રે માત્ર 47 સોસાયટીઓમાં જ કામગીરી પૂર્ણ કરી છે). આ ઉપરાંત, શહેરના 69 જેટલા મુખ્ય માર્ગો પર હજુ પણ પાણી ભરાયેલા રહેતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
વિરમગામમાં 15 ઇંચ વરસાદથી ભારે જળબંબાકાર! 450થી વધુ લોકોનું રેસ્ક્યૂ
વિરમગામ પંથકમાં મેઘરાજાએ સાંબેલાધાર આક્રમણ કરતાં માત્ર ગણતરીના સમયમાં 15 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં SDRF અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને 450થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. બીજી તરફ, ભારે આવકને કારણે ઐતિહાસિક ગંગાસર તળાવ ઓવરફ્લો થતાં પાણીના ઝડપી નિકાલ માટે તંત્રે તાકીદે રસ્તો તોડીને માર્ગ બનાવવાની ફરજ પડી છે.
વરસાદી આફત વચ્ચે ભાજપ કાર્યાલય ખાતે કંટ્રોલ રૂમ શરૂ! મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીધી મુલાકાત
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ કાર્યાલય ખાતે વિશેષ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપના નેતા અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ કંટ્રોલ રૂમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને નાગરિકો તરફથી મળતી ફરિયાદો તેમજ તેના નિકાલ અંગેનો વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. વરસાદી પાણી અને હાલાકી અંગેની સામાન્ય જનતાની સમસ્યાઓ ઝડપથી ઉકેલાય તે માટે તેમણે સંબંધિત સરકારી તંત્ર અને સ્થાનિક હોદ્દેદારોને તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરવા સખત સૂચનાઓ આપી છે.
અમદાવાદનું હેલ્મેટ સર્કલ જળબંબાકાર! 24 કલાક બાદ પણ પૂર જેવા દ્રશ્યો, વાહનો બંધ પડ્યા
અમદાવાદ શહેરના મહત્વના ગણાતા હેલ્મેટ સર્કલ વિસ્તારમાં વરસાદ થંભી ગયાના 24 કલાક બાદ પણ પૂર જેવા પાણી ભરાયેલા રહેતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પાણીના ભારે ભરાવાને કારણે રસ્તા પરથી પસાર થતાં અનેક વાહનો બંધ પડી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને હળવો કરવા માટે ટ્રાફિક પોલીસે બંધ પડેલા વાહનોને ટોઇંગ કરીને હટાવવાની ફરજ પડી હતી. દર વર્ષની આ ગંભીર સમસ્યા છતાં કોઈ કાયમી નિરાકરણ ન આવતાં અને કરોડો રૂપિયાનું પ્રી-મોન્સૂન બજેટ માત્ર કાગળ પર જ રહ્યું હોવાના દ્રશ્યો સામે આવતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાની એન્ટ્રી, HADR ઓપરેશન શરૂ, 43 લોકોનું રેસ્ક્યૂ
ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેનાએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો છે. સધર્ન કમાન્ડ હેઠળ આર્મી દ્વારા HADR ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાય માટે રિલિફ, રેસ્ક્યૂ, એન્જિનિયરિંગ તેમજ મેડિકલ ટીમોને સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે.
ગુરુકુળમાં દુકાનોમાં કમરડૂબ પાણી! વેપારીઓને લાખોનું નુકસાન, AMC સામે ભારે રોષ
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભયાનક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી દુકાનોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા વેપારીઓનો લાખો રૂપિયાનો માલસામાન પલળીને બગડી ગયો છે. વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે નવા રોડ-રસ્તા બનાવવામાં આવ્યા હોવા છતાં ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે પ્રી-મોન્સૂન કામગીરીના તમામ દાવા પોકળ સાબિત થયા છે. "30 વર્ષથી આ જ સમસ્યા છે અને અમે નિયમિત ટેક્સ ભરીએ છીએ, છતાં કોર્પોરેશન તરફથી કોઈ જ સુવિધા કે મદદ મળતી નથી" તેમ કહી સ્થાનિક વેપારીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કમર સુધી પાણી!
ભારે વરસાદના કારણે અમદાવાદસ્થિત ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કમર સુધીના પાણી ભરાઈ જતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 15 કલાકથી હોસ્ટેલ પરિસરમાં પાણી ભરાયેલા હોવા છતાં તંત્ર દ્વારા નિકાલની કોઈ કામગીરી ન કરાતાં વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં જ કેદ થવા મજબૂર બની છે. હોસ્ટેલની મેસમાં પાણી ઘૂસી જવાથી ભોજન વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે અને વિદ્યાર્થીનીઓને પીવાના તેમજ વપરાશના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સંદેશ ન્યૂઝની ટીમે ઘટના સ્થળે પહોંચીને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું, જ્યાં વિદ્યાર્થીનીઓએ રોષ સાથે સવાલ ઉઠાવ્યો છે કે આવી સ્થિતિમાં જો કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેનો જવાબદાર કોણ?
ધોળકામાં મેઘરાજાનું ભયાનક તાંડવ! 14 ઇંચથી વધુ વરસાદથી હાહાકાર
ધોળકા શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ભયાનક તાંડવ મચાવતા આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર ગણતરીના કલાકોમાં 14 ઇંચથી વધુ ખાબકેલા વરસાદને કારણે કલિકુંડ સહિતની અનેક નીચાણવાળી સોસાયટીઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં મોટું ઘરવખરીનું નુકસાન થયું છે અને રોડ-રસ્તા જળમગ્ન બનતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં તંત્રે ટ્રેક્ટર મારફતે લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર શરૂ કર્યું છે, જ્યારે સાબરમતી કાંઠાના ગામોને હાઈ એલર્ટ પર રાખી ધોળકામાં વિશેષ કંટ્રોલ રૂમ પણ કાર્યાન્વિત કરી દેવાયો છે.
મણિનગર અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ શરૂ
સવારે આશરે 2 કલાક સુધી ધુઆંધાર વરસ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો, પરંતુ મણિનગરમાં ફરી એકવાર મેઘમહેર શરૂ થઈ ગઈ છે. મણિનગર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતાં જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં, પહેલાંથી જ ભરાયેલા પાણી ઓસરવાની પ્રક્રિયા ધીમી પડી છે અને સ્થાનિક રહીશો તથા વાહનચાલકોની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે
અમદાવાદ એરપોર્ટ રોડ પર ઊંડા ખાડામાં કાર ખાબકી
એરપોર્ટ રોડ પર ચાલી રહેલા કામકાજ દરમિયાન ખોદવામાં આવેલા મસમોટા ખાડામાં એક કાર અચાનક ખાબકી હતી. કોઈ પણ જાતના સુરક્ષા સાધનો કે બેરીકેટિંગ વગર ખુલ્લા છોડી દેવાયેલા આ 'મોતના કૂવા' સમાન ખાડામાં ગાડી ફસાતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. મોટો અકસ્માત સર્જાયા બાદ ઊંઘમાંથી જાગેલા તંત્રએ ઉતાવળે આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો હતો.
અમદાવાદમાં થલતેજનું પાંચા તળાવ ઓવરફ્લો, રોડ પર પાણી ફરી વળતાં ટ્રાફિક ઠપ
અમદાવાદમાં તોફાની વરસાદી આફત વચ્ચે થલતેજ વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી છે. અહીં આવેલું પાંચા તળાવ ઓવરફ્લો થઈ જતાં તળાવના ધસમસતા પાણી સીધા મુખ્ય રોડ પર ફરી વળ્યા છે. રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. સ્થાનિક લોકોનો આક્રોશ છે કે ડ્રેનેજ લાઇનો બ્લોક હોવાથી અને કલાકો સુધી ન ખુલવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. જેના કારણે કલાકો સુધી મુખ્ય માર્ગો જળમગ્ન રહ્યા છે અને રાહદારીઓ તથા વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓ પર કડક ચાબુક!
અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અતિભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે ઇમરજન્સી બેઠક યોજી હતી. શહેરમાં હજુ સુધી પાણી ન ઓસરતાં CMએ AMCના અધિકારીઓ અને પદાધિકારીઓનો ભારે ક્લાસ લીધો હતો અને ઉધડા લીધો હતો. બેઠક બાદ મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, "શા માટે પાણી ભરાયા અને નિકાલ કેમ ન થયો તેની ગંભીર ચર્ચા કરાઈ છે. લોકો પરેશાન થાય તે સહેજ પણ ચલાવી લેવાય નહીં." CMએ યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી પૂર્ણ કરવા માટે તંત્રને કડક આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ પહોંચ્યા
અમદાવાદમાં આફતના વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે. શહેરમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નોંધાતાં, મુખ્યમંત્રી પોતે સીધા ઝોન ઓફિસે પહોંચ્યા છે. તેમણે AMCના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને જળબંબાકારની ગંભીર સમસ્યા અંગે સમીક્ષા હાથ ધરી છે. બોપલ, ઘુમા અને આસપાસના વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ લાવવા અને સ્થાનિકોને રાહત પહોંચાડવાના કાયમી નિરાકરણ અંગે CMએ અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી કડક સૂચનાઓ આપી છે.
ઘુમા અને બોપલમાં તંત્રનો પ્રી-મોન્સૂન પ્લાન ધોવાયો
અમદાવાદના ઘુમા અને બોપલ વિસ્તારમાં તંત્રના મોટા-મોટા દાવોઓની પોલ ખુલી ગઈ છે. કાગળ પર રહેલો પ્રી-મોન્સૂન પ્લાન સંપૂર્ણપણે ધોવાઈ જતાં ઘુમા-બોપલમાં ચારે બાજુ ઘૂંટણસમાથી લઈને કમરબૂડ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોના ઘરો અને સોસાયટીઓમાં પાણી ઓસરવાનું નામ ન લેતાં અકળાયેલી જનતાએ તંત્ર સમક્ષ તાત્કાલિક પંપ મૂકી પાણીનો નિકાલ લાવવા માટે કરુણ અપીલ કરી છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે તંત્રની આ નિષ્ફળતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
દાણીલીમડામાં પાણીથી બચવા લોકો માળિયા પર ચડ્યા
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વરસાદ બાદ ભયાનક સ્થિતિ સર્જાઈ છે. દાણીલીમડાના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકો બેહાલ બન્યા છે. પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે પોતાનો જીવ અને કિંમતી સામાન બચાવવા માટે લોકો ઘરના માળિયા પર ચડવા મજબૂર બન્યા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે દાણીલીમડા પોલીસની ટીમ તાત્કાલિક સ્થાનિકોની મદદે પહોંચી છે. પોલીસ દ્વારા પાણી વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સાથે ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલો પહોંચાડવામાં આવી રહી છે. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા વિસ્તારમાં રાહત તથા રેસ્ક્યૂ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ, મેસમાં પણ જળબંબાકાર
અમદાવાદમાં આફતના વરસાદ બાદ શિક્ષણના ધામ પણ સુરક્ષિત નથી રહ્યા. ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ચોતરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ એટલી દયનીય બની છે કે હોસ્ટેલની અંદર આવેલી મેસમાં પણ પાણી ઘૂસી જતાં ચારેકોર જળબંબાકાર છવાયો છે. ભોજનશાળામાં પાણી ભરાયેલા હોવા છતાં વિદ્યાર્થીનીઓ પાણીની વચ્ચે જ ઊભા રહીને જમવા માટે મજબૂર બની છે. યોગ્ય સફાઈ અને પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને ભારે હાલાકી અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર સામે યુવતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
CM ભૂપેન્દ્ર પટેલે બોપલના પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ,
અમદાવાદના બોપલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની ગંભીર સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ અને પોલીસ કમિશનર સાથે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. તેમણે ભારે વરસાદથી અતિપ્રભાવિત બોપલના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોશ ગણાતા 'સેન્ટોસા પાર્ક'ના કરોડો રૂપિયાના બંગલાઓમાં ૫થી 6 ફૂટ પાણી ભરાઈ જતાં સ્થાનિકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. અતિ વિકટ પરિસ્થિતિ વચ્ચે હજુ પણ આશરે 20 જેટલા પરિવારો પાણી વચ્ચે ફસાયેલા છે. CMએ સ્થળ પરથી જ તંત્રને રેસ્ક્યૂ કામગીરી ઝડપી બનાવવાની અને પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવાના કડક આદેશો આપ્યા છે.

ઇન્કમટેક્સ સહિત 4 અંડરપાસ સંપૂર્ણ કાર્યરત, મીઠાખળી સિંગલ લેન ચાલુ
અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરના ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, નિર્ણયનગર અને પ્રગતિનગર અંડરપાસ સંપૂર્ણપણે કાર્યરત છે. જ્યારે મીઠાખળી અંડરપાસ સિંગલ લેન માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે જો વરસાદનું જોર વધે અને અંડરપાસમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય, તો ટ્રાફિક જામથી બચવા માટે નવરંગપુરા રેલવે ક્રોસિંગ, નારણપુરા રેલવે ક્રોસિંગ અને વિજય રેલવે ક્રોસિંગનો વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગ કરવો.
બોપલ ગામમાં જળબંબાકાર, ઘરોમાં પાણી ઘૂસી ગયા
આનંદનગરના સેફ્રોન બિનોરી ફ્લેટની દીવાલ તૂટતાં ભોંયરામાં ભરાયા પાણી
અમદાવાદના આનંદનગર વિસ્તારમાંઆવેલા સેફ્રોન બિનોરી ફ્લેટની સીમારેખાની દીવાલ ધારાશાયી થતાં વરસાદી પાણીનો પ્રવાહ સીધો સોસાયટીમાં ઘૂસી ગયો છે. પાણીનો ધસમસતો પ્રવાહ ફ્લેટના ભોંયરામાં ભરાઈ જતાં પાર્ક કરેલા અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહનમાલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પગલે ફ્લેટનો એક ભાગ તાત્કાલિક ખાલી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ AMCની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને પાણી ઉલેચવાની તથા પરિસ્થિતિ કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ અને આંબલીની લીધી મુલાકાત
અમદાવાદના બોપલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સ્થિતિ બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના જ વિધાનસભા મતવિસ્તાર એવા બોપલ, સાઉથ બોપલ અને આંબલી વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ રહ્યા છે. ભારે વરસાદને કારણે તેમનો સમગ્ર મતવિસ્તાર જળમગ્ન થઈ જતાં અને લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાથી, CM પોતે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવશે. તેઓ સ્થાનિક રહીશોની મુશ્કેલીઓ સાંભળશે અને પાણીના તાત્કાલિક નિકાલ માટે અધિકારીઓને સ્થળ પર જ જરૂરી આદેશો આપશે.
ઈસરો અને સુંદરવનની દીવાલ ધરાશાયી, કાટમાળ હટાવવા રોડ બંધ કરાયો
અમદાવાદમાં ભારે વરસાદના વિરામ બાદ પણ મુશ્કેલીઓનો દોર યથાવત છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલા ઈસરો અને સુંદરવનની સીમારેખા ધરાવતી વિશાળ દીવાલ અચાનક જમીનદોસ્ત થઈ ગઈ છે. દીવાલ ધરાશાયી થતાં તેનો મોટો કાટમાળ રોડ પર આવી પડ્યો હતો, જેના કારણે સુરક્ષાના કારણોસર આ મુખ્ય રોડ વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ જેસીબી અને જે-તે તંત્રની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને રોડ પરથી દીવાલનો કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં ઉતારાશે આર્મીની ટિમો, પાણીના ઝડપી નિકાલ માટે સેનાની મદદ
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી વિકટ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં પાણીના ઝડપી નિકાલ અને રાહત-બચાવ કામગીરી માટે આર્મી (ભારતીય સેના)ની કુલ ૬ ટીમો ઉતારવામાં આવશે. જેમાં અમદાવાદ જિલ્લા માટે ૩ કોલમ અને શહેર માટે 3 કોલમ ફાળવી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઓડિશાથી તાત્કાલિક બોલાવાયેલી NDRFની 2 વિશેષ ટીમો પણ તૈનાત કરાશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની પૂરતી સુરક્ષા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે લશ્કર અને સેનાની મદદથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
બહેરામપુરામાં પડ્યો મોટો ભૂવો; AMCએ રોડ કોર્ડન કર્યો
અમદાવાદ શહેરમાં આજના ભારે વરસાદ બાદ ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સ્ટેડિયમ રોડ બાદ હવે બહેરામપુરા વિસ્તારમાં એક અતિશય મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. રસ્તાની વચ્ચે જ વિશાળ ભૂવો પડી જતાં આસપાસના વાહનચાલકો અને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ AMCની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ભૂવા વાળા વિસ્તારને કોર્ડન કરી દીધો છે. ભૂવાના કારણે આસપાસના રસ્તા પર વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. તંત્ર દ્વારા બેરિકેડિંગ કરી વહેલી તકે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હેલ્મેટ ચાર રસ્તા બની ગયા તળાવ, વાહનો બંધ પડ્યા, AMCની ટીમ ગાયબ
અમદાવાદમાં વરસાદ થંભી ગયા બાદ પણ શહેરીજનોની આફત ઘટી નથી. શહેરના અતિ ધમધમતા હેલ્મેટ ચાર રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. રોડ પર ભરાયેલા ઊંડા પાણીમાં પસાર થવા જતાં બંને બાજુ 50થી વધુ વાહનો બંધ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો કમરતોડ હાલાકી ભોગવી રહ્યા છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે વાહનવ્યવહાર ગંભીર રીતે ખોરવાયો છે અને જનજીવન ઠપ થઈ ગયું છે. આટલી વિકટ સ્થિતિ વચ્ચે પણ રસ્તા પર AMC તંત્રની કોઈ ટીમ નજરે ન પડતાં અને પાણી ઓસરવાનું નામ ન લેતાં સ્થાનિકો તેમજ વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
https://www.instagram.com/reel/DbKcFsGjAvF/?utm_source=ig_web_button_share_sheet
વેજલપુરમાં જળબંબાકાર, શ્રીનંદનગરમાં પાણી ન ઓસરતાં જનજીવન ઠપ
અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં વેજલપુર વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ખાસ કરીને શ્રીનંદનગરમાં ચારેકોર ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી જળબંબાકારની સ્થિતિ યથાવત છે. વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા છતાં પાણી ઓસરવાનું નામ ન લેતાં સ્થાનિક રહીશોનું જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. રસ્તાઓ જળમગ્ન હોવાના કારણે લોકોને દૂધ, શાકભાજી જેવી જીવનજરૂરી વસ્તુઓ લેવા બહાર જવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામના કરવો પડી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં તંત્રની નિકાલ વ્યવસ્થાની પોલ ખુલતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
વરસાદના વિરામ બાદ પણ અમદાવાદ જળમગ્ન; મેયર-કમિશનર જવાબ આપો
અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધાને કલાકો વીતી ગયા હોવા છતાં અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રનો કરોડો રૂપિયાનો 'પ્રિ-મોન્સુન પ્લાન' કાગળ પર જ સાબિત થયો છે. રસ્તાઓ પર ભરાયેલા કમરબૂડ પાણીથી ત્રસ્ત જનતા હવે તંત્ર સામે સીધા સવાલો કરી રહી છે: "મેયર અને કમિશનર સાહેબ, અમદાવાદીઓને જવાબ આપો! પ્રિ-મોન્સુન પ્લાન જમીન પર ક્યારે દેખાશે?" દર ચોમાસે પ્રજાએ જ કેમ હાલાકી ભોગવવાની? શું શહેરની આ સમસ્યાનો ક્યારેય અંત આવશે ખરો?
સાબરમતી નદીનું વોટર લેવલ ઘટાડી 123 ફૂટ કરાયું, ગઈકાલે થયેલી ભૂલ તંત્રએ સુધારી
અમદાવાદમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર દ્વારા સાબરમતી નદીના પાણીનું સ્તર ઓછું કરવામાં આવ્યું છે. નદીમાં પાણીનું લેવલ ઘટાડીને ૧૨૩ ફૂટ સુધી કરી દેવાયું છે, જેથી શહેરનો મુસળધાર વરસાદી પ્રવાહ અને સોસાયટીઓનું પાણી ડ્રેનેજ મારફતે સીધું નદીમાં વહી શકે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વોટર લેવલ ઊંચું રહેવાના કારણે શહેરના પશ્ચિમ ઝોન સહિતના વિસ્તારોમાં ભારે જળબંબાકાર સર્જાયો હતો. પરંતુ ગઈકાલની ભૂલમાંથી પાઠ ભણી તંત્રએ આ આયોજનપૂર્વકનું પગલું ભરી ભૂલ સુધારી લીધી છે. નદીનું સ્તર નીચું લાવવામાં આવતા હવે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઝડપથી ઓસરવાની શક્યતા છે
સાવચેતી રાખી બહાર નીકળવા અપીલ
અમદાવાદમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વણસેલી છે. આજે પણ શહેરમાં ભારે વરસાદની સંભાવના હોવાથી નાગરિકોને કામ વગર ઘર બહાર ન નીકળવા અને પૂરી સતર્કતા રાખવા અપીલ કરાઈ છે. રાહતના સમાચાર એ છે કે મકરબા અને અખબારનગર અંડરપાસ ખોલી દેવાયા છે, પરંતુ ચાંદલોડિયા, રાણીપ અને ચાંદખેડા અંડરબ્રિજ હજુ પણ બંધ છે. કેટલાંક હાઈવે પર પાણી ભરાયેલા હોવાથી તંત્ર દ્વારા નિકાલની કામગીરી ચાલુ છે. અમદાવાદીઓને વિનંતી છે કે બહાર નીકળતા પહેલા બંધ-ચાલુ રૂટનો અભ્યાસ કરી વૈકલ્પિક રસ્તાનો જ ઉપયોગ કરે.
https://www.instagram.com/reel/DbKYXSkEejg/?utm_source=ig_web_button_share_sheet
હેલ્મેટ સર્કલ પાસે ભારે જળબંબાકાર
અમદાવાદના મુખ્ય ગણાતા હેલ્મેટ સર્કલ ચાર રસ્તા પાસે અતિશય વરસાદી પાણી ભરાઈ ગયા છે. ચારેકોર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ગંભીર રીતે ખોરવાયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા નાગરિકોને હેલ્મેટ સર્કલ તરફ ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. વાહનચાલકો અટવાય નહીં અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે AMC અને ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરાઈ છે. આ રૂટ પરથી પસાર થવાનું ટાળો અને સુરક્ષિત રહો.
સ્ટેડિયમ પાસે કોટેશ્વર મહાદેવ નજીક મોટો ભૂવો પડ્યો, 4 કાર ફસાઈ
અમદાવાદમાં ભારે વરસાદ બાદ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના સ્ટેડિયમ નજીક આવેલા કોટેશ્વર મહાદેવ પાસે અચાનક રસ્તો બેસી જતાં પડેલા વિશાળ ભૂવામાં 4 કાર ફસાઈ જવાની ગંભીર ઘટના સામે આવી છે. ચાલુ વરસાદે રસ્તો ધોવાઈ જતાં કારો ભૂવામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ક્રેન તથા દોરડાની મદદથી વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં ફસાયેલા 11 લોકોનું રેસ્ક્યુ, ફાયર ટીમે બોટથી જીવ બચાવ્યા
અમદાવાદમાં ભારે જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફાયર બ્રિગેડની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. શહેરના જળમગ્ન વિસ્તારમાં ગઈકાલથી પાણીમાં ફસાયેલા ૧૧ લોકોને ફાયર ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા છે. ચારેકોર ઊંડા પાણી ભરાઈ જવાથી લોકો ઘરમાં કે સુરક્ષિત ઊંચા સ્થળે કલાકોથી અટવાયા હતા. ઘટનાની ગંભીરતા જોઈ ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે સ્થળ પર પહોંચી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ગઈકાલથી અટવાયેલા લોકોને હેમખેમ બહાર કઢાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તંત્ર દ્વારા અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ રખાઈ છે.
શાહઆલમ દરવાજા પાસે ભારે વરસાદથી તોતિંગ ઝાડ ધરાશાયી
અમદાવાદ શહેરમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે હવે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. શાહઆલમ દરવાજા પાસે વરસાદના જોરદાર પવન અને જમીન પોચી પડી જવાને કારણે એક તોતિંગ ઝાડ રોડ પર પડી ગયું હતું. ઝાડ રોડ પર પડતાં જ વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
અમદાવાદમાં 6 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ, વાહનચાલકો અટવાયા
અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી ભરાયેલા પાણીના કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. શહેરમાં આવેલા કુલ 17 અંડરપાસમાંથી 6 અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેને વાહનચાલકોની સુરક્ષા માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મકરબા, દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા તેમજ રાણીપ અને ચાંદખેડા રેલવે અંડરપાસ પૂર્ણપણે બંધ કરી દેવાયા છે. અંડરપાસ બંધ થતાં આસપાસના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી લાઈનો લાગી છે અને ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાઈ છે. વાહનચાલકોને આ અંડરપાસ તરફ જવાનું ટાળવા અને ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
શાહીબાગ અને અસારવામાં માત્ર 3 કલાકમાં 2 ઇંચ વરસાદ
અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીના માત્ર ત્રણ કલાકના સમયગાળામાં સમગ્ર શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને મધ્ય અને ઉત્તર ઝોનમાં આવતા શાહીબાગ અને અસારવા વિસ્તારમાં સૌથી વધુ 3 કલાકમાં જ 2 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાઇપડ્યો છે. વહેલી સવારે પડેલા તોફાની વરસાદના કારણે નોકરી-ધંધે કે શાળાએ નીકળેલા મુસાફરો અને વાહનચાલકો અટવાયા હતા. નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થતાં તંત્ર સતર્ક બન્યું છે.
ઇન્ડિયા કોલોની અને અનુધરા સોસાયટીના ઘરોમાં જળબંબાકાર
અમદાવાદમાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ છે.. તંત્રની ઘોર નિષ્ફળતાના પાપે આજે પ્રજાને રડવાનો વારો આવ્યો છે. ઇન્ડિયા કોલોની અને અનુધરા સોસાયટીમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળ્યા છે. શહેરીજનો એવી દયનીય સ્થિતિમાં મુકાયા છે કે તેઓ ઘરની બહાર પણ નીકળી શકતા નથી. "અમારા ઘરમાંથી આ પાણી ક્યારે નીકળશે?" તેવો સવાલ પૂછીને સ્થાનિકો તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે.
શેલા, બોપલ અને આંબલીમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને શેલા, ઘુમા, બોપલ અને આંબલી જેવા પશ્ચિમના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસતાં માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુસળધાર વરસાદના પ્રચંડ પ્રવાહને કારણે કેટલાય વિસ્તારોમાં મુખ્ય રોડ ધોવાઈ ગયા છે, જેના કારણે રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે અને ડામર ઉખડી ગયો છે. રોડ ધોવાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માત સર્જાવાની ભીતિ વચ્ચે લોકો તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ખોખરામાં પાણી ભરાતા બસ ફસાઈ
અમદાવાદમાં વરસાદી પાણીના કારણે મોડી રાત્રે મોટી આફત સર્જાતા-સર્જાતા ટળી છે. શહેરના ખોખરા સ્થિત જાડેજા કોર્નર પાસે ભરાયેલા ઊંડા પાણીમાં એક બસ અચાનક ફસાઈ ગઈ હતી. બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મણિનગર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહમત ઉઠાવીને બસમાં સવાર તમામ 55 મુસાફરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. તંત્રની સમયસરની કામગીરીથી મોટો અકસ્માત ટળ્યો હતો
નવરંગપુરામાં સહજાનંદ કોલેજ પાસે મોટો ભૂવો પડ્યો
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા તોફાની વરસાદ બાદ હવે ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં સહજાનંદ કોલેજ પાસે અચાનક રસ્તો ધસી પડતાં મોટો ભૂવો પડી ગયો છે. બનાવની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને સમગ્ર જગ્યાએ બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે. વાહનચાલકોની સુરક્ષા માટે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે
આંબલી ગામમાં દુકાનોમાં પાણી ઘુસ્યા
શહેરના આંબલી ગામમાં ચારેકોર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે સમગ્ર ગામની ભારે દુર્દશા થઈ છે. રસ્તાઓ પર ભરાયેલા પાણી હવે લોકોના ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ જવાથી માલસામાનને મોટાપાયે નુકસાન થયું છે અને ધંધા-રોજગાર પર માઠી અસર પડી છે. ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી બગડી ગઈ છે અને લોકો અનાજ-પાણી માટે પણ મુશ્કેલીમાં મુકાયા છે.
https://twitter.com/sandeshnews/status/2080480609819136305
દાણીલીમડા વિસ્તાર જળબંબાકાર
અમદાવાદમાં આજે સવારથી જ પડી રહેલા અવિરત વરસાદના કારણે દાણીલીમડા વિસ્તારમાં સ્થિતિ વિકટ બની છે. સતત વરસી રહેલા વરસાદને લીધે સમગ્ર રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતાં ડૂબ જેવા દ્રશ્યો સર્જાયા છે. સામાન્ય વાહનચાલકોની સાથે હવે બીઆરટીએસ રૂટ પર પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે બસ વ્યવહાર અને મુસાફરો ભારે અડચણનો સામનો કરી રહ્યા છે. અનેક દ્વિચક્રી વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોને ધક્કા મારવાની નોબત આવી છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે વિસ્તારના રહીશો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ઇસ્કોનથી આંબલી રોડ પર કારો પાણીમાં ડૂબી
અમદાવાદમાં ભારે વરસાદ વિરામ લીધા બાદ પણ શહેરીજનો માટે આફત ઓછી થઈ નથી. ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને ઇસ્કોનથી આંબલી તરફનો મુખ્ય રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તાઓ પર કેડસમા પાણી ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોની હાલાકીનો કોઈ પાર રહ્યો નથી. આ જળમગ્ન રસ્તાઓ પર અનેક મોંઘીદાટ કારો પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે, જેના કારણે કરોડોનું નુકસાન થવાની ભીતિ છે. વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અડાલજથી કેનાલ વચ્ચે માર્ગો જળમગ્ન
સતત વરસી રહેલા વરસાદના કારણે અમદાવાદના મુખ્ય ગણાતા એસજી હાઇવે પર અડાલજથી નર્મદા કેનાલ વચ્ચે મોટાપ્રમાણમાં પાણી ભરાયેલા છે. મોટાભાગનો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકો અત્યંત મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ પર પાણીનો નિકાલ ન થવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકોનો કિંમતી સમય બગડી રહ્યો છે. જો તમે આ રૂટ પર મુસાફરી કરી રહ્યા હોવ તો ખાસ સાવચેતી રાખવા અથવા વૈકલ્પિક રસ્તો વાપરવા વિનંતી.
અમદાવાદમાં 24 કલાક બાદ પણ પાણી ભરાયેલા છે
અમદાવાદમાં ભારે વરસાદ બાદ પ્રિ-મોન્સુનની કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. 24 કલાક બાદ પણ પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન થતાં શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગોતા, શીલજ, સિંધુભવન, હેલ્મેટ ચાર રસ્તા, બોપલ અને ઘુમા જેવા મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ પ્રજા હાલાકી વેઠી રહી છે, જ્યારે કમિશનર અને મેયરના બંગલા પાસે ટીપુંય પાણી નથી! પ્રિ-મોન્સુન પ્લાનિંગ માત્ર કાગળ પર સાબિત થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
મણિનગરમાં ભારે વરસાદ
અમદાવાદ શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વચ્ચે મણિનગર વિસ્તારમાં સ્થિતિ ચિંતાજનક બની છે. મુસળધાર વરસાદના કારણે મણિનગર અને ખાસ કરીને ભૈરવનાથ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રોડ-રસ્તાઓ જળમગ્ન થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે મુશ્કેલી વધી રહી છે. આ વિસ્તારમાંથી પસાર થતાં વાહનચાલકોને સાવચેતી રાખવા અને શક્ય હોય તો વૈકલ્પિક માર્ગ પસંદ કરવા અપીલ કરવામાં આવી છે.
બોપલ વિસ્તારમાં સૌથી વધુ 18.40 ઇંચ વરસાદ
આંકડાકીય વિગતો મુજબ, બોપલ વિસ્તારમાં સૌથી વધુ 18.40 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય બાકરોલમાં 18.20 ઇંચ, સરખેજ અર્બન સેન્ટરમાં 17.32 ઇંચ, સરખેજ ગામ વિસ્તારમાં 16.33 ઇંચ, જોધપુરમાં 16.45 ઇંચ, થલતેજમાં 16.60 ઇંચ, બોડકદેવમાં 16 ઇંચ અને સાયન્સ સિટી વિસ્તારમાં 15.43 ઇંચ વરસાદ ઝીંકાયો છે. અનરાધાર વરસાદને કારણે બોપલમાં શિવાલિક સર્કલ, મુમતપુરા રોડ અને YMCA થી બોપલ તરફ જતો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
https://twitter.com/sandeshnews/status/2080471133628104809
ઘણા વિસ્તારોમાં કમર સુધીના પાણી
ઘણા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ જવાથી નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બોપલ અને સરખેજ વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને ટ્રક જેવા ભારે વાહનો પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ડ્રાઈવ-ઈન રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના બેસમેન્ટમાં પાણી ઘૂસી જતાં દુકાનદારોને મોટું નુકસાન થયું છે, જ્યારે મેમનગરમાં અનેક નાના-મોટા વાહનો ગરકાવ થઈ ગયા છે
YMCA રોડ પર વરસાદી પાણીની સાથે મગરનું બચ્ચું જોવા મળ્યું
આ ભારે જળબંબાકાર વચ્ચે YMCA રોડ પર વરસાદી પાણીની સાથે મગરનું બચ્ચું તણાઈને આવી ચડતા આસપાસના લોકોમાં ભારે અફડાતફડી અને કૂતુહલ જોવા મળ્યું હતું. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Latest News LIVE : સવારે 8 થી 11 વાગ્યા સુધીનું મધ્ય-ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ
