અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે જેના પગલે સવારે ઓફિસ જવા નિકળેલા હજારો લોકો રસ્તા પર અટવાઇ ગયા છે. અનેક લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે જેથી બિનજરુરી બહાર ના નીકળવા એલર્ટ કરવામાં આવ્યા છે..
સતત અપડેટ મેળવવા પેજ રિફ્રેશ કરતા રહો
સેટેલાઇટ અને સીમા હોલ આસપાસ જળબંબાકાર
અમદાવાદમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગણાતા સેટેલાઇટ અને ખાસ કરીને સીમા હોલ આસપાસના માર્ગો પર ભારે પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં આસપાસનો આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. ગોઠણસમા ભરાયેલા પાણીના કારણે ટુ-વ્હીલર અને નાના વાહનો પાણીમાં ગરકાવ થઈ બંધ પડી ગયા હતા. વાહનચાલકો અટવાતાં સ્થાનિકો અને ચાલકો પોતે પોતાના બંધ પડેલા વાહનોને ધક્કા મારી મારીને પાણીમાંથી બહાર કાઢતા નજરે પડ્યા હતા.
વાસણા બેરેજના 20 દરવાજા ખોલાયા, તારાપુર પંથકમાં એલર્ટ
અમદાવાદ શહેર અને ઉપરવાસમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સાબરમતી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં જ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે વાસણા બેરેજના 20 દરવાજા 3 થી 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. બેરેજમાંથી સાબરમતી નદીમાં 28 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. નદીમાં મોટો જળજથ્થો વહાવવામાં આવતા નીચાણવાળા વિસ્તારો પર પૂરનું સંકટ ઘેરાયું છે, જેને પગલે તારાપુર પંથકના નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને નદી કિનારે ન જવાની કડક સૂચના આપવામાં આવી છે
બોપલમાં VIP રોડ પાણીમાં ગરકાવ, આંબલી તળાવ છલકાતાં ચારેબાજુ પાણી ફરી વળ્યા
અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદને કારણે બોપલ વિસ્તારની પરિસ્થિતિ વધુ વણસી છે. બોપલના પોશ ગણાતા VIP રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. ભારે મુશળધાર વરસાદથી આંબલી તળાવની સપાટી વધીને પાણી બહાર ઉભરાતાં રોડ અને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. આસપાસની સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વાહનચાલકો અટવાયા છે અને સ્થાનિક રહીશો ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી. તળાવના પાણી રસ્તા પર ફરી વળવાને લીધે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
ઝુંડાલમાં ધોધમાર વરસાદથી સ્કૂલ બસ ફસાઈ
અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઝુંડાલમાં માર્ગ પર પાણી ભરાઈ જતાં માસૂમ બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ રસ્તામાં ફસાઈ ગઈ હતી. કમર સુધીના પાણી અને ખાડા વચ્ચે બસ અટવાઈ જતાં બાળકો અને વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને રાહત ટીમો તાત્કાલિક મદદે દોડી આવી હતી અને બસમાં ફસાયેલા તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
વિઝિબિલિટી ઘટતા એક્સપ્રેસ હાઈવે પર વાહનચાલકો અટવાયા
અમદાવાદ શહેરના આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ જતાં દિવસ દરમિયાન જ અંધારપટ જેવો માહોલ સર્જાયો છે. વાદળછાયા અને અંધારિયા વાતાવરણને કારણે રોડ પર વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે, જેનાથી વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વિઝિબિલિટી શૂન્ય સમાન થઈ જતાં વાહનચાલકો અટવાયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક વાહનચાલકોએ પોતાના વાહનો એક્સપ્રેસ હાઈવેની ઇમરજન્સી લેનમાં પાર્ક કરીને વિરામ લેવાની ફરજ પડી હતી.
https://www.instagram.com/reel/DbIUDSXiYx6/?utm_source=ig_web_button_share_sheet
ફાયર બ્રિગેડને 31 ઇમરજન્સી કોલ
અમદાવાદમાં વહેલી સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થતાં ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં ઇમરજન્સી કોલ્સનો તાંતો નોંધાયો છે. અત્યાર સુધીમાં ફાયર વિભાગને કુલ 31 જેટલા ઇમરજન્સી કોલ મળ્યા છે, જેમાં ઝાડ પડી જવાના 14, દીવાલ ધરાશાયી થવાના 3 અને પાણીમાં ફસાયેલા લોકોના બચાવ માટેના 5 જેટલા કોલ શામેલ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક અલગ-અલગ સ્થળોએ પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.
જુહાપુરા, સિદ્દિકાબાદ કોલોનીમાં કેડસમા પાણી
અમદાવાદમાં ખાબકેલા ભારે વરસાદના કારણે શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકારની વિકટ સ્થિતિ સર્જાઈ છે. જુહાપુરાના અંબર ટાવર પાસે માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે સિદ્દિકાબાદ કોલોનીમાં કેડસમા પાણી ભરાઈ જતાં રહીશો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત, બોપલ-આંબલી હાઈવે અને પોશ ગણાતો સિંધુભવન રોડ પાણીથી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મુશળધાર વરસાદથી શહેરના અનેક નીચાણવાળા અને મુખ્ય માર્ગો ભારે અસરગ્રસ્ત થયા છે.
વસ્ત્રાલ રિંગરોડ પર કન્સ્ટ્રક્શનના કારણે પાણી ભરાતા સવા કલાક સુધી ટ્રાફિક જામ
અમદાવાદમાં પડેલા વરસાદને કારણે વસ્ત્રાલ રિંગરોડ પર વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. માર્ગ પર ચાલુ કન્સ્ટ્રક્શન કામગીરીના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. કમરતોડ ટ્રાફિકના કારણે વાહનચાલકો સવા કલાકથી વધુ સમય સુધી રસ્તા પર અટવાઈ રહ્યા હતા. જોકે, વરસાદ અટકતાં અને પાણીનો ધીમે-ધીમે નિકાલ થતાં વાહનવ્યવહાર પૂર્વવત થવા લાગ્યો હતો અને ટ્રાફિક હળવો થયો હતો.
જોધપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દીવાલ અને પતરાંનો શેડ ખાડામાં ધસ્યા
અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે જોધપુર વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. જોધપુરમાં 'ત્રીનય અનધ' કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક દીવાલ ધસી પડી હતી. દીવાલ ધરાશાયી થવાની સાથે જ સાઇટ પર માટી ધસી જતાં પતરાંનો શેડ પણ ઊંડા ખાડામાં ખાબક્યો હતો. આ ઘટનાને કારણે રોડ સાઇડના માર્ગને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જ વિસ્તારમાં અગાઉ પણ ભારે વરસાદ દરમિયાન રસ્તો ધસી જવાની ઘટના બની ચૂકી છે, જેથી બાંધકામ સાઇટો પર સુરક્ષા અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
બોપલમાં ખોડિયાર મંદિર તળાવની દીવાલ તૂટી
અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે બોપલ વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોપલ સ્થિત ખોડિયાર મંદિર તળાવની દીવાલ અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. તળાવની દીવાલ તૂટતા જ ધસમસતા પાણીના પ્રવાહને કારણે 3 જેટલી ગાડીઓ પાણીમાં ફસાઈ ગઈ છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પદાધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે અને અમદાવાદના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
રોડ બન્યા સ્વિમિંગ પુલ, AMC નો સ્ટાફ ગાયબ પણ પોલીસ આવી મદદે
અમદાવાદમાં ખાબકેલા ભારે વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાખી છે. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે અને લોકો રસ્તાઓ પર ભારે હાલાકી ભોગવી રહ્યા છે. "લોકો રોડ પર ત્રસ્ત અને નેતાઓ-અધિકારીઓ મસ્ત" જેવી સ્થિતિ વચ્ચે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કંટ્રોલ રૂમમાં હાજર જોવા મળ્યા હતા, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ભારે હાલાકી વચ્ચે AMC નો સ્ટાફ ગાયબ જણાતો હતો. આ કપરી પરિસ્થિતિમાં પોલીસ જવાનો રોડ પર ઉતરીને લોકોને મદદ કરતા અને ટ્રાફિક હળવો કરાવતા નજરે પડ્યા હતા.
અમદાવાદમાં 24 જુલાઈએ શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય
ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે આવતીકાલે, તા. 24 જુલાઈ, 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાણી ઓસરતાં શાહીબાગ, નિર્ણયનગર અને ઉસ્માનપુરા અંડરપાસ ફરી શરૂ
અમદાવાદમાં વરસાદનું જોર ઘટતાં અને પાણી ઓસરવાનું શરૂ થયું છે. પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવેલા શાહીબાગ, નિર્ણયનગર અને ઉસ્માનપુરા અંડરપાસમાં પાણી ઓસરી જતાં તેને વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અંડરપાસ શરૂ થતાં જ રસ્તાઓ પરનો વાહનવ્યવહાર પુનઃ ચાલુ થઈ ગયો છે, જેથી વાહનચાલકો અને નોકરીયાત વર્ગને મોટી રાહત મળી છે અને ટ્રાફિકનું ભરણ હળવું થયું છે.
બોપલના સ્ટર્લિંગ સિટીમાં કરોડોના બંગલાઓમાં ઘૂસ્યા વરસાદી પાણી
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને પગલે બોપલ વિસ્તારમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. બોપલના પોશ ગણાતા સ્ટર્લિંગ સિટી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાના બંગલાઓમાં પાણી ફરી વળ્યા છે. ઘરોના ગ્રાઉન્ડ ફ્લોર અને કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કિંમતી સામાન પલળી જવાની સાથે જ સોસાયટીના માર્ગો પણ તળાવમાં ફેરવાઈ જતાં લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.
શિવરંજની ચાર રસ્તા પાસે 4 ફૂટ પાણી ભરાયા
અમદાવાદમાં પડેલા અવિરત વરસાદને કારણે શહેરના મુખ્ય એવા શિવરંજની ચાર રસ્તા પાસે 3 થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારતા હોવાના કારણે વાહનચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગો પર ઉંચા સ્તર સુધી પાણી ફરી વળતાં અનેક વાહનો બંધ પડી ગયા છે અને લોકો અટવાયા છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ કાફલો સ્થળ પર તૈનાત છે અને ધીમે ધીમે ટ્રાફિક ખાલી કરાવવાની કામગીરી કરી રહ્યો છે.
શેલા, ઘુમા અને બોપલમાં કમર સુધી પાણી ભરાયા
અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે શેલા, ઘુમા અને બોપલ વિસ્તારમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. શેલામાં ચારેય તરફ કમર સુધીના વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં લોકો ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. માર્ગો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે કોર્ટ કામગીરી પર અસર
અમદાવાદમાં પડી રહેલા ધોધમાર વરસાદ અને જળબંબાકારની સ્થિતિના કારણે અદાલતી કામગીરી પણ ભારે અસરગ્રસ્ત થઈ છે. મુશળધાર વરસાદને લીધે રસ્તાઓ બંધ થતાં પક્ષકારો અને વકીલો સમયસર પહોંચી શકે તેમ ન હોવાથી વકીલોએ ન્યાયાધીશને અપીલ કરી કાર્યવાહી સ્થગિત રાખવા માંગ કરી છે. આ અંગે નીચલી કોર્ટોને રજૂઆત મોકલવામાં આવી છે અને પક્ષકારોની ગેરહાજરીને માફ રાખવા તેમજ તેમની ગેરહાજરીના કારણે કોઈ પણ પ્રતિકૂળ હુકમ (એડવર્સ ઓર્ડર) ના કરવા વિનંતી કરવામાં આવી છે.
સરખેજના શ્રીનંદનગરમાં કમર સુધી પાણી ભરાયા, બાળકોનું રેસ્ક્યૂ કરાયું
અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સરખેજના શ્રીનંદનગર વિસ્તારમાં કમર સુધીના વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચારેય તરફ પાણી ફરી વળતાં અનેક લોકો ઘરોમાં અને રસ્તા પર ફસાયા હતા. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર પોતે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શાળામાં ફસાયેલા નાના બાળકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાવી તેમની સાથે વાતચીત કરી હિંમત આપી હતી.
અમદાવાદના ટ્રાફિકમાં ફસાયો CM નો કાફલો
પેલેડિયમ મોલ પાસે CM નો કોન્વો ટ્રાફિકમાં ફસાયો , ટ્રાફિક પોલીસ દ્વારા પેલેડિયમ મોલનો બંધ કટ ખુલ્લો કરી CM ને રવાના કરાયા

સિંધુભવન રોડ જળબંબાકાર, વાહનચાલકો અટવાયા
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરનો અત્યંત પોશ અને ધમધમતો વિસ્તાર ગણાતો સિંધુભવન રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તાઓ પર ઠેર-ઠેર ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક વાહનો અડધા ડૂબેલી હાલતમાં બંધ પડી ગયા છે. સ્માર્ટ સિટીના મુખ્ય માર્ગ પર જ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
અમદાવાદમાં મેઘતાંડવ: એક કલાકમાં 4 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા
અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મનમૂકીને બેટિંગ શરૂ કરી છે. માત્ર એક જ કલાકમાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારેય તરફ પાણી ભરાઈ જતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો સાથે ભારે ટ્રાફિક જામ થયો છે.
AMC એ 15 રૂટ પર ન જવા અપીલ કરી
શહેરમાં 15 જેટલાં મુખ્ય રૂટ પર ભારે પાણી ભરાયા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોને તે માર્ગો પર ન જવાની ખાસ సూચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સુરક્ષાના ભાગરૂપે પાણી ભરાયેલા અંડરપાસ બંધ કરી દેવાયા છે. વરસાદી હોનારત વચ્ચે ફાયર વિભાગને ઇમરજન્સી કોલ્સ મળવાના શરૂ થયા છે, જેમાં વૃક્ષ ધરાશાયી થવાના 10, દીવાલ પડવાના 2 અને અન્ય ફાયરને લગતા 8 કોલ નોંધાયા છે.
શીલજ ગામમાં ચારેય તરફ પાણી જ પાણી
અમદાવાદમાં પડી રહેલા આકાશી આફત જેવા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. શીલજ ગામમાં ચારેય તરફ પાણી ભરાઈ જતાં વેપારીઓ અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાની સાથે જ પાણી દુકાનોની અંદર ઘૂસી જતાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વેપારીઓનો માલસામાન પલળી જતાં તંત્રની નબળી ડ્રેનેજ કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
મીઠાખળી અંડરપાસમાં બસ ફસાઇ
અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરની સ્થિતિ વધુ વિકટ બની છે. જળબંબાકાર વચ્ચે મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાઈ જતાં એક બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે. અંડરપાસમાં ઉંચા સ્તર સુધી પાણી ભરાઈ જવાને પગલે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અંડરપાસ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ થતાં આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
અમદાવાદમાં સવારે 6થી 12 વાગ્યા સુધી ભારે વરસાદ
સરખેજ - 7 ઇંચ
બોપલ - 6 ઇંચ
જોધપુર ઝોનલ:-- 6 ઇંચ
જોધપુર --6 ઇંચ
સરખેજ અર્બન હેલ્થ--5 ઇંચ
મક્તમપુરા-- 5 ઇંચ
બકરોલ - 3 ઇંચ
બોડકદેવ -- સાડા પાંચ ઇંચ
થલતેજ - 5 ઇંચ
સાયન્સ સિટી- 5 ઇંચ
મેમનગર--5 ઇંચ
ચાંદલોડિયા- 4 ઇંટ
ગોતા:-સાડા ત્રણ ઇંચ
ઓગણજ--સાડા ત્રણ ઇંચ
વાસણા--4 ઇંચ
નવરંગપુરા- 4 ઇંચ
ઉસ્માનપુરા- 4 ઇંચ
રાણિપ-સાડા ત્રણ ઇંચ
ટાગોર કન્ટ્રોલ--સાડા ત્રણ ઇંચ
મોટેરા--2 ઇંચ
ચાંદખેડા--2 ઇંચ
દૂધેશ્વર--2 ઇંચ
મ્યુનિસિપલ કોર્પોરેશન- 2 ઇંચ
કાલુપુર - અઢી ઇંચ
અસારવા: -દોઢ ઇંચ
લાંભા - 2 ઇંચ
મણિનગર- 2 ઇંચ
વટવા:- 2 ઇંચ
શાંતિપુરા સર્કલ અને નિલમણી ગુરુકુલ રોડ પર સોસાયટીઓમાં ભરાયા પાણી
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદથી શાંતિપુરા સર્કલ અને નિલમણી ગુરુકુલ રોડ આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ મેમનગર સ્થિત માનવ મંદિર રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા છે. રસ્તાઓ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે અને તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
સવારે 6થી 12 વાગ્યા સુધી અમદાવાદમાં ભારે વરસાદ
સાઉથ વેસ્ટ ઝોન - 5 ઇંચ (સૌથી વધુ)
નોર્થ વેસ્ટ ઝોન--4 ઇંચ
વેસ્ટ ઝોન - સાડા ત્રણ ઇંચ
સેન્ટ્રલ ઝોન: અઢી ઇંચ
સાઉથ ઝોન: 2 ઇંચ
ઈસ્ટ ઝોન - અડધો ઇંચ
નોર્થ ઝોન- અડધો ઇંચ
AEC બ્રિજ પર 5 થી 6 સ્કૂલ બસો અને અનેક વાહનચાલકો અટવાયા
અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે AEC બ્રિજ પર ભારે પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બ્રિજ પર પાણી ભરાવાને લીધે અડધા બ્રિજ સુધી વાહનોની લાંબી લાઈનો સાથે ચક્કાજામ થઈ ગયો છે, જેમાં 5 થી 6 સ્કૂલ બસો અને અનેક વાહનચાલકો વરસાદ વચ્ચે અટવાઈ પડ્યા છે. આ ઉપરાંત BRTS રૂટ પર પણ પાણી ફરી વળતાં BRTS બસો અટવાઈ જતાં મુસાફરો અને સ્કૂલેથી પરત ફરતા બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
વાસણા બેરેજના છ દરવાજા ખોલાયા
અમદાવાદમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીનું સ્તર 129 ફૂટની આસપાસ પહોંચી જતાં તંત્ર હરકતમાં આવ્યું છે, જેથી પાણીનું સ્તર ઘટાડીને 127 ફૂટ સુધી લાવવા માટે અધિકારીઓએ સિંચાઈ વિભાગ સાથે સંકલન સાધી વાસણા બેરેજના છ દરવાજા ખોલી વધારાના પાણીનો નિકાલ શરૂ કર્યો છે. બીજી તરફ શહેરમાં ભારે પાણી ભરાવાના કારણે વાહનચાલકોની સુરક્ષા માટે મકરબા, અખબારનગર, મીઠાખળી , પરિમલ , જલારામ અને શાહીબાગ અંડરપાસ સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે, જ્યારે ઉસ્માનપુરા અંડરપાસ સવારે 11 વાગ્યે આંશિક રીતે બંધ કરાતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે.
વરસાદમાં અમદાવાદ શહેરની હાલત ખરાબ
અનેક રોડ પાણીમાં ગરકાવ, શહેરમાં વરસાદને લીધે રોડ કર્યા બંધ, કમર સુધીના વરસાડી પાણી ભરાયા, જીએમડીસી રોડ બંધ કરાયો, કમર સુધીના ભરાયા પાણી, ઘાટલોડિયા, માનવ મંદિર રોડ સહિતના રસ્તા પાણી જ પાણી, જીએમડીસી રોડ પાણીમાં ગરકાવ, જોધપુર,જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી
નિર્ણયનગર ગરનાળામાં કમર સુધી પાણી ભરાયા
અમદાવાદમાં આકાશી આફત જેવા વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. નિર્ણયનગર ગરનાળું પાણીથી છલોછલ ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. ગરનાળામાં કમર સુધી પાણી ભરાઈ જતાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અવરજવર રોકી દેવામાં આવી છે. આ ગરનાળું બંધ થવાના કારણે આસપાસના વિસ્તારોને જોડતો મુખ્ય સંપર્ક કપાયો છે, જેથી નોકરિયાતો અને સ્થાનિકો અટવાઈ પડ્યા છે.
નવરંગપુરામાં કમર સુધી પાણી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પડેલા ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ધોધમાર વરસાદના કારણે નવરંગપુરાના અનેક મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કમર સુધીના પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને અનેક વાહનો તણાયા તેમજ બંધ પડી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાતાં સ્થાનિકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સિંધુભવન રોડ જળબંબાકાર
અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરનો સૌથી ચર્ચિત અને પોશ ગણાતો સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સિંધુભવન રોડ પર ઠેર-ઠેર ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્માર્ટ સિટીના પોશ ગણાતા વિસ્તારના મુખ્ય રોડ પર જ પાણી ફરી વળતાં તંત્રની ડ્રેનેજ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને અનેક વાહનો અડધા ડૂબેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.
બોપલનો સ્ટર્લિંગ સિટી વિસ્તાર જળબંબાકાર
અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે બોપલ વિસ્તારની પરિસ્થિતિ પણ કફોડી બની છે. બોપલના પોશ ગણાતા સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ છે. ખાસ કરીને સ્ટર્લિંગ સિટીના સેક્ટર-1 અને સેક્ટર-2માં ગોઠણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તાઓ પર પાણી ફરી વળતાં રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
https://www.instagram.com/reel/DbH6L0rGB9I/?utm_source=ig_web_button_share_sheet
ગોતા વિસ્તાર જળબંબાકાર
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગોતા વિસ્તાર સંપૂર્ણપણે પાણી-પાણી થઈ ગયો છે. ગોતાના મુખ્ય રસ્તાઓ, સોસાયટીઓના ગેટ સુધી પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે અનેક વાહનો બંધ પડી ગયા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
પરિમલ અને ઉસ્માનપુરા સહિત 4 અંડરપાસ બંધ
અમદાવાદ શહેરને મેઘરાજાએ ભારે વરસાદથી ધમરોળી નાખ્યું છે. ચારેય તરફ પાણી ભરાઈ જતાં સુરક્ષાના કારણોસર શહેરમાં કુલ 4 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. જેમાં ઉસ્માનપુરા અને પરિમલ અંડરપાસમાં પાણી ભરાઈ જતાં રસ્તા રોકી દેવામાં આવ્યા છે. અંડરપાસ બંધ થવાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
https://www.instagram.com/reel/DbH7TiBDo2-/?utm_source=ig_web_button_share_sheet
કર્ણાવતી ક્લબ સામે જળબંબાકાર, વાહનચાલકો બેહાલ
અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતા એસ.જી. હાઇવે પર પરિસ્થિતિ વિકટ બની છે. કર્ણાવતી ક્લબ સામેનો મુખ્ય રોડ પાણીમાં ડૂબી ગયો છે અને નવા ઓવરબ્રિજની બાજુમાં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર બે થી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે.
લખુડી તળાવ બહાર પાણી ભરાતા ઉસ્માનપુરા તરફનો રસ્તો બંધ કરાયો
અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારમાં પરિસ્થિતિ વણસી છે. લખુડી તળાવની બહાર માર્ગ પર ભારે પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. સ્થિતિ ગંભીર બનતાં ઉસ્માનપુરા તરફ જતો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. રસ્તા પર દોઢથી બે ફૂટ પાણી ભરાયેલા હોવાથી અનેક વાહનચાલકો અડધે રસ્તેથી જ વાહનો પાછા વાળવા મજબૂર બન્યા છે. ઉસ્માનપુરા અને લખુડી તળાવ તરફ જતાં વાહનચાલકોને આ રૂટ ટાળવા અને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી છે.
https://www.instagram.com/reel/DbH57yQk8no/?utm_source=ig_web_button_share_sheet
નવા વાડજમાં પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ
અમદાવાદના નવા વાડજ સ્થિત ભારત માતા સર્કલ પાસે ભારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. મુખ્ય માર્ગ પર જ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ભારે અસરગ્રસ્ત થયો છે અને સ્થાનિકો તથા વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તાજેતરમાં જ અહીં નવો RCC રોડ બનાવવામાં આવ્યો હોવા છતાં, પહેલા જ વરસાદમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાતા તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે.
એસ.જી. હાઇવે પર સ્થિતિ વણસી
અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે એસ.જી. હાઇવે પર સ્થિતિ વણસી છે. કર્ણાવતી ક્લબ સામેનો રોડ અને નવા બનેલા ઓવરબ્રિજની બાજુમાં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. રોડ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા ટ્રાફિક ધીમો પડ્યો છે અને અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અનેક લોકો રસ્તા પર જ અટવાયા
અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળબંબાકાર થઇ જતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક વાહનો બંધ પડી ગયા હતા. સવારના ઓફિસ અને ધંધા રોજગાર માટે નીકળેલા અનેક લોકો રસ્તા પર જ અટવાયા છે.
અમદાવાદના તમામ વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં છેલ્લા 2 કલાકથી અવિરતપણે ધોધમાર વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અનેક વિસ્તારોમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. એસજી હાઇવે, વસ્ત્રાપુર, શિવરંજની, બોપલ, ઘુમા, હેલેમ્નેટ ચાર રસ્તા, ગુરુકુળ, એઇસી ચાર રસ્તા, નારણપુરા, શાસ્ત્રીનગર, અખબાર નગર, નવા વાડજ, શેલા , સરખેજ સહિતના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે.
https://www.instagram.com/reel/DbH6UPxjiDl/?utm_source=ig_web_button_share_sheet
ગણતરીના સમયમાં 2 ઇંચ જેટલો વરસાદ
મનપાના આંકડા મુજબ સરખેજ અને બોડકદેવ વોર્ડમાં માત્ર ગણતરીના સમયમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 ઇંચથી વધુ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં પણ ૧1ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ
ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળબંબાકાર થઈ ગયા છે. મકરબા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થિતિ ગંભીર બનતાં મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે પાણી ભરાઈ જવાથી રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવો પડ્યો છે.
https://www.youtube.com/watch?v=y1rFLufkZ_U
વસ્ત્રાપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ
પશ્ચિમ વિસ્તારના પોશ ગણાતા વસ્ત્રાપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ સિવાય ડી-કેબિન કાળીગામ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. કાળીગામ હેલ્થ સેન્ટરની અંદર સુધી પાણી ઘૂસી જતાં દર્દીઓ અને તબીબી સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર માર્ગો પર જળભરાવ થતાં સમગ્ર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને વહીવટી તંત્ર પાણીના નિકાલ માટે દોડતું થયું છે.
કુબેરનગરના રાજવીર માર્કેટની દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓનો રોષ, MLAએ દોડી આવી તાત્કાલિક નિકાલ કરાવ્યો
અમદાવાદ શહરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને કુબેરનગર સ્થિત રાજવીર માર્કેટમાં વરસાદી પાણી વેપારીઓની દુકાનો સુધી ઘૂસી જતાં ભારે નુકસાનની ભીતિ વચ્ચે દુકાનદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને ઉશ્કેરાયેલા વેપારીઓએ પરિસ્થિતિની ગંભીરતા જોઈને તુરંત જ સ્થાનિક ધારાસભ્ય (MLA)ને સ્થળ પર બોલાવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા MLAએ લોકોનો રોષ થાળે પાડીને પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર મારફતે તાત્કાલિક કામગીરી શરૂ કરાવી હતી, જેથી વેપારીઓને થોડી રાહત મળી છે.
વાસણા બેરેજના 20 દરવાજા ખોલાયા, નદીમાં 28,000 ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
અમદાવાદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે સાબરમતી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વાસણા બેરેજના ૨૦ દરવાજા ૩ થી ૪ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. બેરેજમાંથી સાબરમતી નદીમાં ૨૮,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીના મોટા જથ્થાને વહાવી દેવાઈ રહ્યો હોવાથી આગળના પટમાં આવેલા તારાપુર તાલુકાના નીચાણવાળા ગામો અને વિસ્તારોને સાવચેતીના ભાગરૂપે હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.
સીમા હોલ આસપાસ પાણી ભરાતાં નાના વાહનચાલકો અટવાયા, વાહનોને ધક્કા મારવાની નોબત આવી
અમદાવાદ: શહેરમાં ચાલુ રહેલા અવિરત વરસાદને કારણે પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં પણ પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને સીમા હોલ અને તેની આસપાસના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ભારે ખોરવાયો હતો. રસ્તા પર પાણીનો ભરાવો વધી જતાં અનેક ટુ-વ્હીલર અને નાના ચાર-પૈડાં વાહનો બંધ પડી ગયા હતા, જેને કારણે વાહનચાલકોએ ભારે મુશ્કેલી વચ્ચે વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી.
'સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઈનમાં ભારે ભ્રષ્ટાચાર' - કોંગ્રેસ કોર્પોરેટર નીરવ બક્ષીનો ગંભીર આરોપ
અમદાવાદ: શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. શહેરના લગભગ તમામ વોર્ડમાં પાણી ભરાઈ જતાં કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ શાસક પક્ષ પર કામોના નામે મોટો ભ્રષ્ટાચાર કરવાનો સીધો આરોપ લગાવ્યો છે. તેમણે તીખા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પ્રી-મોન્સૂન કામગીરી, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને નવી ડ્રેનેજ લાઈનો નાખવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તંત્રના પાપે જ આજે આખું અમદાવાદ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે.
અમદાવાદના જીવરાજ પાર્ક પાસે વરસાદી ભૂવામાં ગાડી ફસાઈ: કામગીરી પૂર્ણ થાય તે પહેલાં જ અકસ્માત, કાર રોડ સાઈડ પર ઉતરી ગઈ
અમદાવાદ: શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જીવરાજ પાર્ક વિસ્તારમાંથી એક દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે. અહીં વરસાદ બાદ પડેલા એક ભૂવામાં પસાર થઈ રહેલી કાર અચાનક ફસાઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ભૂવાનું સમારકામ હજુ પૂર્ણ થયું ન હતું ત્યાં જ આ ઘટના ઘટી હતી. રસ્તા પર ભરાયેલા પાણી અને ભયજનક ભૂવાના કારણે નિયંત્રણ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેઘતાંડવ: વસ્ત્રાપુર, થલતેજ, વિજય અને AEC ચાર રસ્તા પર પાણી ભરાતાં ભારે ટ્રાફિક જામ, વાહનચાલકો અટવાયા
અમદાવાદ: શહેરમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. વસ્ત્રાપુર, AEC ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, શાસ્ત્રીનગર તેમજ થલતેજ સહિતના મુખ્ય વિસ્તારો અને રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તાઓ પર પાણી નો મોટો જથ્થો જમા થઈ જતાં વાહનો બંધ પડી રહ્યા છે, જેને કારણે મુખ્ય ચાર રસ્તાઓ પર કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા છે.
અમદાવાદ પૂર્વથી મોટા સમાચાર: ઘોડાસરનું વાનરવાડી તળાવ ફાટતાં રસ્તાઓ પર જળબંબાકાર, વાહનચાલકોને રૂટ બદલવાની ફરજ પડી
અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘોડાસર વિસ્તારમાં આવેલું વાનરવાડી તળાવ ઓવરફ્લો થતાં ફાટ્યું છે, જેને કારણે તળાવના ભારે માત્રામાં પાણી આસપાસના મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યા છે. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર અને પોલીસ દ્વારા લોકોને આ રસ્તેથી પસાર ન થવા અને અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ-બાવળા હાઈવે પર અકસ્માતમાં બાઈક સવારનું મોત
અમદાવાદ-બાવળા હાઈવે પર આવેલ આંબા તળાવ ત્રણ રસ્તા પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ તેમજ ૧૧૨ બાવળા પોલીસની ટુકડી તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સ્થિતિનો તાગ મેળવીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને મૃતકના મૃતદેહને કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
અમદાવાદમાં મુશળધાર વરસાદ અંગે AMCની ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદ: શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં DyMC દિનેશ ગુરવે પરિસ્થિતિની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સવારથી અવિરત પડેલા વરસાદમાં શહેરમાં સરેરાશ 113 મિમી (આશરે 4.5 ઈંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે સરખેજ વોર્ડમાં સૌથી વધુ 10 ઈંચ અને બોપલ વોર્ડમાં 9 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. ખૂબ જ ઓછા સમયમાં ખાબકેલા ભારે વરસાદને કારણે જ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા લેવાયેલા પગલાં અંગે માહિતી આપી હતી.
- રેસ્ક્યૂ કામગીરી: ફાયર બ્રિગેડ દ્વારા મકાનોમાં ફસાયેલા બાળકો અને નાગરિકો સહિત 50થી વધુ લોકોનું સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
- પાણી નિકાલ: ભરાયેલા પાણીના નિકાલ માટે 26 વરુણ પંપ કાર્યરત કરાયા છે. જ્યારે 148 પૈકી 82 અસરગ્રસ્ત જગ્યાઓ પર વોટર લોગિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
- અંડરપાસ સ્થિતિ: સુરક્ષાના ભાગરૂપે બંધ કરાયેલા 8 અંડરપાસમાંથી 6 અંડરપાસમાં પાણી ઓસરતાં તેને ફરી વાહનવ્યવહાર માટે શરૂ કરી દેવાયા છે.
અમદાવાદમાં ખાનવાડી તળાવ છલકાતાં હાહાકાર
અમદાવાદ શહેરમાં આકાશી આફત વચ્ચે રામોલ વિસ્તારમાંથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલું 24 ફૂટની ઊંડાઈ ધરાવતું 'ખાનવાડી તળાવ' સિઝનના બીજા વરસાદમાં જ પૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ ગયું છે. તળાવ છલકાતાં જ તેના પાણી આસપાસના રહેણાંક વિસ્તારો અને લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. પાણીના સખત વહેણને કારણે તળાવ અને સોસાયટીઓ વચ્ચેનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયો છે. 24 ફૂટ ઊંડા તળાવ કિનારે જ રસ્તો જળમગ્ન થઈ જતાં અને ઘરોમાં પાણી ભરાતાં કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવો ભય સ્થાનિક રહીશોમાં વ્યાપી ગયો છે.
AMC કમિશનર બંછાનીધી પાનીનું મોટું નિવેદન, 'આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજો બંધ રાખવા સૂચના'
અમદાવાદ શહેરમાં 3 કલાકમાં પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનીધી પાનીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એસજી હાઈવે, સરખેજ અને બોપલ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને તમામ અધિકારીઓ હાલ ફિલ્ડમાં તૈનાત છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે વધુ અસરગ્રસ્ત સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ ઝોનમાં વધારાના DyMC મૂકવામાં આવ્યા છે. નોર્થ વેસ્ટ ઝોનની આશરે 80થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આગામી પરિસ્થિતિ અને સાવચેતી અંગે માહિતી આપી
- શાળા-કોલેજોમાં રજા: હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી શાળા-કોલેજો બંધ રાખવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
- આરોગ્ય વિષયક અપીલ: રોગચાળો ન ફેલાય તે માટે નાગરિકોને પાણી ઉકાળીને પીવા અપીલ કરાઈ છે. જોકે, AMC તરફથી ક્લોરિનવાળું શુદ્ધ પાણી જ સપ્લાય કરવામાં આવશે.
અમદાવાદના ધોળકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના પગલે ધોળકા શહેરમાં ચારેય તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે ધોળકાના નીચાણવાળા વિસ્તારોમાં અને મુખ્ય રોડ-રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ફરી વળ્યા છે, જેથી સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. સૌથી વધુ હાલાકી સ્કૂલે જતા નાના બાળકો અને વિદ્યાર્થીઓને ભોગવવી પડી રહી છે. જળબંબાકારની આ સ્થિતિ વચ્ચે સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરીને પાણીના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
વિરમગામમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર
વિરમગામ પંથકમાં મેઘરાજાએ સાંબેલાધાર 8 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર જેવા માહોલ વચ્ચે માનવતા અને ફરજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં સ્થાનિક પોલીસ સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. વિરમગામના માંડલ રોડ પર પાણીના ભરાવા વચ્ચે ફસાયેલા સ્કૂલના નાના બાળકો અને વૃદ્ધોને પોલીસે સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ બાદ તમામ બાળકોને અલીગઢ રોડ પર આવેલા તેમના ઘરે સુરક્ષિત પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી, જેથી વાલીઓએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.
અમદાવાદમાં વરસાદનું જોર વધતાં વધુ 2 અંડરપાસ બંધ કરાયા
અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા માર્ગો પર પાણીનું સ્તર ફરી વધવા લાગ્યું છે. પરિસ્થિતિ ગંભીર બનતાં તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ફરીથી 2 મહત્વના અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પરિમલ અંડરપાસ અને કુબેરનગર અંડરપાસ બંધ કરી દેવાતાં વાહનચાલકો અટવાયા છે અને આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહારને અન્ય માર્ગો તરફ વળવામાં આવ્યો છે.
અમદાવાદના વેજલપુરમાં શ્રીનંદ સિટી પાસે દર વર્ષની જેમ જળબંબાકાર
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદ સિટી પાસે અવિરત વરસાદને કારણે ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ યોગ્ય નિકાલના અભાવે માર્ગો પર ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણીના ભારે ભરાવા વચ્ચે બાળકોને લઈ જતી એક સ્કૂલ બસ અધવચ્ચે ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. રસ્તાઓ જળમગ્ન થઈ જતાં વાહનચાલકો અટવાયા હતા અને સ્થાનિક રહીશો તથા રાહદારીઓને ઢીંચણસમા પાણીમાંથી ચાલીને પસાર થવાની નૌબત આવી હતી. દર વર્ષે સર્જાતી આ સમસ્યા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ ન લાવવામાં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાં જળબંબાકાર, સીમા હોલ આસપાસ અને સોસાયટીઓમાં પાણી ભરાતાં વાહનચાલકો તથા રહીશો અટવાયા
અમદાવાદ શહેરમાં અવિરત ખાબકેલા ધોધમાર વરસાદને કારણે હવે પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારો પણ જળમગ્ન બન્યા છે. આનંદનગર વિસ્તારમાં આવેલા સીમા હોલની આસપાસના મુખ્ય માર્ગો તેમજ નજીકની રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં ચોમાસાની સ્થિતિ વિકટ બની છે. પોશ વિસ્તાર હોવા છતાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક વાહનો બંધ પડી ગયા છે. સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતમાં આફતના વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ
રાજ્યભરમાં અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે માર્ગ વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે અને સમગ્ર રાજ્યમાં કુલ 1,201 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. બંધ કરાયેલા માર્ગોમાં 7 નેશનલ હાઈવે, 26 સ્ટેટ હાઈવે અને 1,109 પંચાયત હસ્તકના ગ્રામીણ રસ્તાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં એકલા વલસાડ જિલ્લાના સૌથી વધુ 468 રસ્તાઓ અને નવસારી જિલ્લાના 256 રસ્તાઓ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રસ્તાઓ જળમગ્ન થઈ જતાં અનેક ગામડો સંપર્કવિહોણા બન્યા છે અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આંગણવાડીઓમાં રજા જાહેર
અમદાવાદ શહેરમાં વરસી રહેલા મુશળધાર વરસાદ અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાના બાળકોની સુરક્ષાને અગ્રતા આપતાં અમદાવાદ શહેરની તમામ આંગણવાડીઓમાં આગામી 27 જુલાઈ સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. વરસાદી માહોલ અને ઠેર-ઠેર ભરાયેલા પાણીના કારણે નાના બાળકોને આવવા-જવામાં પડનારી મુશ્કેલીઓ અને સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં ભારે વરસાદને પગલે શહેરના 11 મહત્વના અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ
અમદાવાદ શહેરમાં અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે માર્ગો પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા શહેરના ૧૧ જેટલા મુખ્ય અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અંડરપાસમાં વરસાદી પાણીનું સ્તર સતત વધતાં વાહનો ફસાઈ જવાની અને અકસ્માત સર્જાવાની શક્યતાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બંધ કરવામાં આવેલા અંડરપાસની યાદી
- અખબારનગર
- મકરબા
- મીઠાખળી
- કુબેરનગર
- પરિમલ
- સાહેબબાગ અંડરપાસ
- જલારામ અંડરપાસ
- દક્ષિણી અંડરપાસ
- ઉસ્માનપુરા અંડરપાસ
- કાલીગામ ડેમો અંડરપાસ
- એલસી-20 વસ્ત્રાપુર બંધ
- એલસી 22 વેજલપુર
- એલસી 1સી ચાંદખેડા
- એલસી 03 ચાંદખેડા
- જીએસટી રાણીપ
- નિર્ણય નગર
અંડરપાસ બંધ કરાતાં શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. તંત્ર દ્વારા વાહનચાલકોને અંડરપાસ તરફ જવાનું ટાળવા અને સાવચેતીપૂર્વક ડાયવર્ઝન તથા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર, પાલડીના 'યસ નિધિ ફ્લેટ'ના ઘરોમાં 2 ફૂટ પાણી ભરાયા
મુશળધાર વરસાદના પગલે સમગ્ર અમદાવાદ શહેર જળબંબાકાર બન્યું છે અને ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા 'યસ નિધિ ફ્લેટ'માં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે. ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનોમાં અંદાજે ૨ ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં ઘરોમાં રાખેલી તમામ ઘરવખરી પલળીને બરબાદ થઈ ગઈ છે. તંત્ર તરફથી યોગ્ય મદદ ન મળતાં આખરે સ્થાનિક રહીશોએ સ્વખર્ચે જાતે મોટર મૂકીને ઘરોમાંથી પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવી પડી છે.
ભારે વરસાદ અને ટ્રાફિક જામના કારણે કાંકરિયા લેક પરિસરમાં વાહનોને પ્રવેશ અપાયો
અમદાવાદ શહેરમાં અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદ અને મુખ્ય માર્ગો પર સર્જાયેલા ભારે ટ્રાફિક જામને પગલે તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને અસાધારણ નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરિયા લેક આસપાસના રસ્તાઓ પર પાણી ભરાવા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે કાંકરિયા લેકની અંદર આવેલા વોક-વે પરથી વાહનોને પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય રીતે વોક-વે ફક્ત સૈર-સપાટા માટે જ ઉપયોગમાં લેવાતો હોય છે, પરંતુ હાલની ઇમરજન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનચાલકોની સુવિધા માટે તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે
વિરમગામમાં બાલાપીર દરગાહ પાસે પાણીના ભારે પ્રવાહમાં બાઈક સવાર તણાયો
ખોખરામાં ફિઝિકલ ગ્રાઉન્ડ અને હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાણી ભરાતાં સ્થાનિકો બેહાલ
અમદાવાદમાં ભારે વરસાદને પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની નાગરિકોને તકેદારી રાખવા અપીલ
રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર, અમદાવાદ આવતી 5 ટ્રેન રદ્દ
- દાદર અમદાવાદ મેઇલ રદ્દ
- અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ રદ્દ
- અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર રદ્દ
- અમદાવાદ મુંબઈ વંદે ભારત રદ્દ
- અમદાવાદ મુંબઇ તેજસ રદ્દ
અમદાવાદમાં ખરાબ વાતાવરણથી હવાઈ સેવા ખોરવાઈ
અમદાવાદ: શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે હવાઈ વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી છે. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરનારી 7 જેટલી ફ્લાઈટોને અન્ય એરપોર્ટ તરફ ડાઈવર્ટ કરવાની ફરજ પડી છે. હવાઈ સેવા ખોરવાતાં અમદાવાદ આવતી-જતી ૬૦થી વધુ ફ્લાઈટો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી પડી રહી છે, જેના કારણે એરપોર્ટ પર મુસાફરો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ સિવાય, ખરાબ હવામાનને પગલે અમદાવાદથી મુંબઈ જતી સ્પાઈસજેટની ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. ફ્લાઈટો ડાઈવર્ટ અને રદ થતાં અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે અને એરલાઈન્સ કંપનીઓ દ્વારા મુસાફરોને સ્થિતિ અંગે અપડેટ આપવામાં આવી રહ્યા છે.
પૂરગ્રસ્તોની મદદ માટે ભાજપે શરૂ કર્યો 24×7 કંટ્રોલ રૂમ
રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત નાગરિકોની વહારે આવવા માટે ભાજપ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ 'સેવા હી સંગઠન' અભિયાન અંતર્ગત પ્રદેશ કક્ષાએથી ૨૪ કલાક કાર્યરત રહે તેવો 24×7 હેલ્પલાઇન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા કે મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોની મદદ માટે બે વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે: હેલ્પલાઇન નંબર: 63597 01000 અને 63596 02000
આ કંટ્રોલ રૂમ મારફતે અસરગ્રસ્તો તરફથી મળતી તમામ માહિતી અને ફરિયાદો સંકલિત કરીને તાત્કાલિક ધોરણે સ્થાનિક વહીવટી તંત્ર તેમજ રાહત-બચાવ ટીમો સુધી પહોંચાડવામાં આવશે, જેથી પીડિતો સુધી ખોરાક, પાણી, દવાઓ અને અન્ય જરૂરી સહાય વહેલામાં વહેલી તકે પહોંચાડી શકાય.
આ પણ વાંચો Gujarat Latest News Live : અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધોધમાર એન્ટ્રી, વિવિધ વિસ્તારો જળબંબાકાર
