અમદાવાદ શહેરમાં બે દિવસના વિરામ બાદ આજે સવારે ફરીથી સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના પશ્ચિમથી લઈને પૂર્વના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માર્ગો પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે સવારે નોકરી ધંધે જવા નિકળેલા નાગરિકો અને વાહનચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ
સવારે 6 થી 8 વાગ્યાના માત્ર બે કલાકમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ થલતેજ અને સાયન્સ સિટીમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે બોડકદેવ અને મેમનગરમાં 1.5-1.5 ઇંચ તેમજ કઠવાડા, ચાંદલોડિયા અને મેમકોમાં 1-1 ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાયા છે.
અમદાવાદમાં માત્ર 1-2 ઇંચ વરસાદમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી
શહેરમાં સામાન્ય વરસાદ પડતાં જ થલતેજ, બોપલ, સાયન્સ સિટી અને સ્ટર્લિંગ સિટી જેવા પોશ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના બહાના હેઠળ પોતાની નિષ્ફળતા છુપાવતું કોર્પોરેશન તંત્ર માત્ર બે ઇંચ વરસાદમાં જ લાચાર સાબિત થયું છે, જેનાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઢાળની પોળમાં મકાન ધરાશાયી
શહેરમાં ધોધમાર વરસાદથી ઢાળની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ ઘુમા સામુહિક આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વૈભવી બંગલોમાં ઝડપથી પાણી નિકાલ કરાતો હોવા છતાં અન્ય વિસ્તારોની ઉપેક્ષા થતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
બોપલ-શેલા-ઘુમામાં જળબંબાકાર
ભારે વરસાદથી બોપલ, શેલા અને ઘુમા વિસ્તાર જળ કેદખાનામાં ફેરવાયા છે. ઘુમાના ઋષિકેશ પાર્કના 148 મકાનો તેમજ ઇસરો અને DPS સ્કૂલમાં પાણી ફરી વળ્યાં છે. શેલામાં દૈનિક 50થી વધુ ટેન્કરની માગ ઊભી થઈ છે. કન્ટ્રોલરૂમમાં ફરિયાદોના ઢગલા છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
શહેરના બોપલ, શીલજ, થલતેજ, શેલા, એસજી હાઈવે, વસ્ત્રાપુર, બોડકદેવ, ન્યુ રાણીપ, સોલા, ગોતા, ચાણક્યપુરી, સરખેજ તેમજ પૂર્વ વિસ્તારના નિકોલ, અમરાઈવાડી અને રામોલ જેવા તમામ વિસ્તારોમાં મુસળધાર વરસાદ વરસ્યો છે.
એસજી હાઇવે ના સર્વિસ રોડ જળબંબાકાર
અમદાવાદમાં ભારે વરસાદથી: થલતેજ વિસ્તારના સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. કારના અડધાથી વધુ ટાયર ડૂબી જતાં અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ છતી થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા
ધોધમાર વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઇ ગઇ છે. ઘણા ઠેકાણે પાણી ભરાયા છે સિંધુભવન રોડ, પોલેડીયમ મોલ, ગોતા, વસ્ત્રાપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે
https://youtu.be/4F_-ikyFeYg
વાહન ચાલકોને મુશ્કેલી
વરસાદના આંકડા અને તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે શહેરના પોશ ગણાતા સિંધુ ભવન રોડ અને એસ.પી. રિંગ રોડથી પકવાન તરફ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.
ધંધુકા અને ધોલેરા પંથકમાં વરસાદ
આજે સવારથી જ અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો છે. ધંધુકા પંથકમાં એક ઇંચ અને ધોલેરામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પણ નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?