અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની ઇનિંગ્સ શરૂ કરી દીધી છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ શહેરના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. માત્ર 1 થી 2 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકા ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. જો કે અમદાવાદમાં હાલ વરસાદે વિરામ લીધો છે
થલતેજ અને સાયન્સ સિટી વિસ્તારમાં 2-2 ઇંચ વરસાદ
સવારે નોંધાયેલા વરસાદી આંકડા મુજબ, સૌથી વધુ થલતેજ અને સાયન્સ સિટી વિસ્તારમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત બોડકદેવમાં 1.5 ઇંચ, મેમનગરમાં 1.5 ઇંચ, કઠવાડામાં 1 ઇંચ, ચાંદલોડીયામાં 1 ઇંચ અને મેમકોમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં ભારે વરસાદથી એસ.જી. હાઇવે જળબંબાકાર
થલતેજ વિસ્તારના સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. કારના અડધાથી વધુ ટાયર ડૂબી જતાં અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ છતી થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
https://youtu.be/4F_-ikyFeYg
ઢાળની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી
વરસાદના કારણે કોટ વિસ્તારમાં આવેલી ઢાળની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
બોપલ, શેલા અને ઘુમા વિસ્તારો છેલ્લા ચાર દિવસથી કેદખાના
બીજી તરફ, બોપલ, શેલા અને ઘુમા વિસ્તારો છેલ્લા ચાર દિવસથી જળ કેદખાના બન્યાં છે. ઘુમા સામુહિક આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જ્યારે ઘુમાના ઋષિકેશ પાર્કના 148 મકાનો, ઇસરો અને ડીપીએસ સ્કૂલ પરિસરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.
શેલામાં દૈનિક 50થી વધુ પાણીના ટેન્કરની માંગ
સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે વૈભવી બંગલો વિસ્તારમાં પાણી નિકાલની કામગીરી ઝડપથી થાય છે, જ્યારે અન્ય વિસ્તારોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. શેલામાં દૈનિક 50થી વધુ પાણીના ટેન્કરની માંગ ઊભી થઈ છે. કંટ્રોલરૂમમાં ફરિયાદોના ઢગલા થવા છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને બેઠું હોવાનો ભારે આક્રોશ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?