ગુજરાતમાં ચોમાસુ ફરી એકવાર રોદ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે આગામી 48 કલાક અત્યંત ભારે સાબિત થઈ શકે છે. આ સિસ્ટમ્સના પ્રભાવથી સમગ્ર રાજ્યમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વિજળીના કડાકા સાથે મુશળધાર વરસાદની ભીતિ સેવાઈ રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે માછીમારોને આગામી સુચના સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

આજની સ્થિતિ: ક્યાં કેવું એલર્ટ?

હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે:

ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ): અમદાવાદ, વડોદરા અને ભરૂચ.

ભારે વરસાદની આગાહી (યલો એલર્ટ): બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, પાટણ, કચ્છ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ખેડા અને પંચમહાલ.

આવતીકાલ માટે 'અત્યંત ભારે' વરસાદનું રેડ એલર્ટ

આવતીકાલે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનતાં રાજ્યના 9 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે:

રેડ એલર્ટ (અત્યંત અતિભારે વરસાદ): અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને ડાંગ.

ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ): સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, મહિસાગર અને દાહોદ.

યલો એલર્ટ (ભારે વરસાદ): કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ.

વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. NDRF અને SDRF ની ટીમોને પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત રહેવા આદેશ અપાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે. 


આ પણ વાંચો  :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?