રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને પગલે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સંપૂર્ણ હાઇ-એલર્ટ મોડ પર આવી ગયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ તાલુકા ડિઝાસ્ટર અધિકારીઓ તેમજ મામલતદારોને ખાસ પત્ર લખીને તાકીદના પગલાં લેવા આદેશ જારી કરવામાં આવ્યા છે.
SEOC દ્વારા આપવામાં આવેલી મુખ્ય માર્ગદર્શિકાઓ
જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષો:
ભારે પવન અને વરસાદમાં હોર્ડિંગ્સ કે વૃક્ષો ધડાકાભેર પડવાથી થતી જાનહાની રોકવા માટે તમામ જોખમી બોર્ડ-હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો અને નબળા કામચલાઉ માળખાઓની ઓળખ કરીને તેમને તાત્કાલિક ઉતારી લેવા સૂચના અપાઈ છે.
જર્જરિત મકાનોમાંથી સ્થળાંતર:
જર્જરિત મકાનો કે જોખમી બાંધકામોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવાની અને તેમના માટે સલામત શેલ્ટર હોમ ની વ્યવસ્થા કરવા જણાવાયું છે.
પુલ અને રસ્તાઓ પર નજર:
જર્જરિત પુલ, કોઝ-વે અને વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવા ઓવર-ટોપિંગ રસ્તાઓ પર જરૂરિયાત મુજબ તાત્કાલિક વાહનવ્યવહાર બંધ કરી દેવા આદેશો આપવામાં આવ્યા છે.
રેસ્ક્યુ ટીમોને એલર્ટ કરાઇ
તંત્ર દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં શેલ્ટર હોમ્સ નક્કી કરી લેવાયા છે અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને ચોવીસે કલાક એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?