રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની મોટા સમાચાર આપનારી આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાત પર એક સાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. વાતાવરણમાં સર્જાયેલા આ ભેજ અને સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમી રહ્યા છે.
કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામશે.
ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ
ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળશે
દરિયામાં કરંટ જોવા મળી શકે
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી દરિયામાં કરંટ જોવા મળી શકે છે. આથી સુરક્ષાના ભાગરૂપે હવામાન તંત્રે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી છે. તંત્ર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ