ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર જમાવટ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે.

જૂનાગઢના માંગરોળમાં 22.24 ઈંચ 

સૌથી વધુ વિસ્ફોટક વરસાદ જૂનાગઢના માંગરોળમાં 22.24 ઈંચ ખાબક્યો છે. આ સિવાય માળિયાહાટિનામાં 14 ઈંચ, વઘઈમાં 13.43 ઈંચ અને સુરતના અંબિકામાં 13.19 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. અતિ ગંભીર પરિસ્થિતિને જોતાં વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સખત સૂચના આપવામાં આવી છે. 

https://twitter.com/sandeshnews/status/2073096379707379777 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાઇએલર્ટ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી છે, જેમાં વેરાવળમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં મોટી નુકસાનીના અહેવાલ છે; કેશોદ પાસેના સાબલી ડેમના 11 દરવાજા ખોલાતા મઘરવાડા ગામ સંપૂર્ણ સંપર્કવિહોણું બન્યું છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ખેતરો બેટમાં ફેરવાતા પાકને ભારે નુકસાન થયું છે.

ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ

બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. પાટણ શહેર અને સરસ્વતી તાલુકામાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ૫ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ છે, જેમાં કડી અને જોટાણામાં ૪ ઈંચ તેમજ ખેરાલુ પંથકમાં ગાજવીજ સાથે ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ આ વરસાદ આવતા ક્યાંક મુશ્કેલી તો ક્યાંક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. 


આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી