ગુજરાતમાં હવામાન પ્રણાલી સક્રિય થતાં મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરવા માટે સજ્જ થયા છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આગામી 30મી જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધશે.
એકસાથે 4 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 4 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે ચોમાસાનો આ નવો રાઉન્ડ અત્યંત શક્તિશાળી સાબિત થઈ શકે છે.
31મી જુલાઈએ રાજ્યમાં વરસાદનું 'રેડ એલર્ટ'
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 31મી જુલાઈએ રાજ્યમાં વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની ભીતિ છે. ત્યારબાદ 1 ઓગસ્ટે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદનું જોર યથાવત રહેશે.
ઉત્તર ગુજરાતમાં વરસાદ
સ્થાનિક આગાહી મુજબ, આજે અને આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડે તેવું અનુમાન છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
સમગ્ર કચ્છ પંથકમાં મેઘ મહેર જોવા મળશે
સૌરાષ્ટ્ર-કચ્છ પંથકની વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ તેમજ સમગ્ર કચ્છ પંથકમાં મેઘ મહેર જોવા મળશે. તંત્ર દ્વારા તમામ સંબંધિત જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?