ગુજરાતમાં ચોમાસાની સિઝન ચરમસીમા પર પહોંચી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા ‘નાઉ કાસ્ટ’ અનુસાર આજે બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરીને 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી સંભાવના દર્શાવાઈ છે.
આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગ મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે મુસળધાર વરસાદ પડી શકે છે.
આ જિલ્લામાં યલો એલર્ટ જાહેર
બીજી તરફ, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારી સહિતના તમામ વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ જારી કરાયું છે.
સમગ્ર રાજ્યમાં થશે વરસાદ
હવામાન વિભાગની આ ગંભીર આગાહીમાં સમ્રગ્ર રાજ્યનો સમાવેશ કરાયો છે જેના પગલે તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારો અને નદીકંઠાના ગામોના રહીશોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની કડક સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?