ગુજરાતમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ સતત જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સાંજે 4 વાગ્યા સુધીના તાજા 'નાઉકાસ્ટ' બુલેટિન અનુસાર, રાજ્યની સ્થિતિ વધુ ગંભીર બની છે. હવામાન વિભાગે રાજ્યના કુલ 17 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' અને 16 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરીને સાવચેત રહેવાની ચેતવણી આપી છે.
પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
તાજા નાઉકાસ્ટ મુજબ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે. આ વિસ્તારોમાં મેઘગર્જના, વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે મધ્યમથી ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે.
