રાજ્યમાં ચોમાસુ સિસ્ટમ પૂરેપૂરી આક્રમક બનતાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યું છે. વીતેલા 24 કલાક દરમિયાન રાજ્યના 106 તાલુકાઓ જળમગ્ન બન્યા છે, જ્યારે આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીના માત્ર 2 જ કલાકમાં 82 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી ગયો છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
24 કલાકમાં પાવી જેતપુરમાં સૌથી વધુ 3 ઈંચ
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સૌથી વધુ 3 ઈંચ અને પંચમહાલના જાંબુઘોડામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય છોટાઉદેપુરના કવાંટ અને નસવાડીમાં 2.5 ઈંચ, તાપીના કુકરમુંડામાં 2 ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 2 ઈંચ, છોટાઉદેપુર તાલુકામાં 2 ઈંચ અને પંચમહાલના કાલોલમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય 98 તાલુકાઓમાં પણ અડધાથી એક ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ રહ્યો છે.
સવારે 6 થી 8 વાગ્યા વચ્ચે નર્મદા જિલ્લામાં મેઘરાજાની સાંબેલાધાર બેટિંગ
દરમિયાન આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા વચ્ચે નર્મદા જિલ્લામાં મેઘરાજાએ સાંબેલાધાર બેટિંગ કરી હતી. ગરુડેશ્વર અને સાગબારામાં માત્ર 2 કલાકમાં જ 4.5 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. નર્મદાના નાંદોદમાં 4 ઈંચ અને તિલકવાડામાં 3.5 ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો છે. આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોરમાં 2.5 ઈંચ, આણંદ શહેરમાં 2.5 ઈંચ અને બોરસદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
https://twitter.com/sandeshnews/status/2083005412127994056
વરસી રહેલા વરસાદના કારણે નદી-નાળા ઉભરાયા
સુરતના ઉમરપાડા, તાપીના નિર્ઝર, વડોદરાના ડભોઈ, સિનોર, વાઘોડિયા, આણંદના ઉમરેઠ અને ખેડાના મહુધામાં 1.5-1.5 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે પંચમહાલના હાલોલમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે નદી-નાળા ઉભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?