ગુજરાતભરમાં ચોમાસાએ ભારે વિનાશક રૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 255 જેટલા તાલુકાઓમાં અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ખેડા અને અમદાવાદ જિલ્લામાં મેઘરાજાએ એવું તાંડવ મચાવ્યું છે કે અનેક વિસ્તારોમાં આભ ફાટ્યા જેવો ઘાટ સર્જાયો છે.
મહેમદાવાદમાં 20 ઇંચ
સૌથી વધુ વિધ્વંસક સ્થિતિ ખેડાના મહેમદાવાદમાં જોવા મળી છે, જ્યાં 24 કલાકના ટૂંકા ગાળામાં જ 20 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અમદાવાદના ધોળકામાં પણ 19 ઇંચ વરસાદ ઝીંકાતા ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
ચીખલી અને ખેરગામમાં 18 ઇંચ
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળ્યા છે; નવસારીના ચીખલી અને ખેરગામમાં 18 ઇંચ, વલસાડના ઉમરગામમાં 17.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે.
https://youtu.be/evdvf6TniXU
ખેડાના માતરમાં 15 ઇંચ
મધ્ય અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો ખેડાના માતરમાં 15 ઇંચ, વિરમગામમાં 15 ઇંચ, નવસારીના વાંસદામાં 15 ઇંચ, ડાંગના વઘઈમાં 15 ઇંચ અને ગણદેવીમાં 13.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અમદાવાદના માંડલ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકામાં 12ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
મહેસાણાના બેચરાજીમાં 10.5 ઇંચ
મહેસાણાના બેચરાજીમાં 10.5 ઇંચ, વડોદરા શહેરમાં 5.5 ઇંચ, ભાવનગરમાં 3 ઇંચ, મોરબીમાં 2.5 ઇંચ તેમજ વાવ-થરાદ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 235 તાલુકાઓમાં પણ ધોધમારથી મધ્યમ વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Latest News LIVE : સવારે 8 થી 11 વાગ્યા સુધીનું મધ્ય-ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ