ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. 

વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે અતિભારે વરસાદ 

હવામાન વિભાગ દ્વારા શનિવારે સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીના આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે અતિભારે વરસાદ તૂટી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

રાજ્યમાં 41 થી લઈને 61 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાઈ શકે

આ એલર્ટ દરમિયાન સૌથી ચિંતાજનક બાબત એ છે કે, રાજ્યમાં 41 થી લઈને 61 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે વહીવટી તંત્રને પણ સ્ટેન્ડબાય રહેવા આદેશ અપાયા છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ

આ શોર્ટ ટર્મ એલર્ટમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પ્રદેશોને આવરી લેવાયા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને જામનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગરમાં વહેલી સવારથી જ કાળાડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

અમદાવાદ, વડોદરા અને પાટનગર ગાંધીનગર સહિતના મેટ્રો શહેરોમાં વરસાદ

તો બીજી તરફ, અમદાવાદ, વડોદરા અને પાટનગર ગાંધીનગર સહિતના મેટ્રો શહેરોમાં પણ આગામી 3 કલાક ભારે પવન સાથે મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મોડાસા (અરવલ્લી) પંથકમાં પણ ભારે પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાની સંભાવનાને પગલે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ઓફિસે જતા નોકરિયાત વર્ગ અને વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન ખાસ સાવધાની રાખવા અને ઝાડ કે નબળા હોર્ડિંગ્સ નીચે ઊભા ન રહેવા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી