રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક અને અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વહીવટી તંત્રને એલર્ટ કરી દેવાયું
ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી સત્તાવાર આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ખેડા જિલ્લાઓમાં વહીવટી તંત્રને એલર્ટ કરી દેવાયું છે.
રાજ્યના 164 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 164 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી છે. જેમાં સૌથી વધુ કહેર સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે.
https://youtu.be/UsK6SVa3Sug
રાજુલામાં જાણે આભ ફાટ્યું
અમરેલીના રાજુલામાં જાણે આભ ફાટ્યું હોય તેમ 24 કલાકમાં 10.79 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. આ સિવાય ધારીમાં ૯.૨૧ ઈંચ, ખાંભામાં ૬.૮૧ ઈંચ, સાવરકુંડલામાં ૫ ઈંચ, જાફરાબાદમાં ૪.૯૨ ઈંચ, બગસરામાં ૪.૨૯ ઈંચ અને લીલીયામાં ૪.૨૧ ઈંચ વરસાદ નોંધાતા અમરેલી જિલ્લો રેલમછેલ થઈ ગયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ
બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક સાડા ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ઉનામાં ૪.૫ ઈંચ, ગીર ગઢડામાં ૩ ઈંચ અને સુત્રાપાડામાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વેરાવળમાં સૌથી ઓછો ૧૭ મીમી વરસાદ પડ્યો છે.
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદ
દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં ડાંગના સુબીરમાં ૫.૧૬ ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં ૪.૪૯ ઈંચ, જેસરમાં ૩.૫૮ ઈંચ, ચીખલીમાં ૩.૨૭ ઈંચ અને મહુવામાં ૨.૯૯ ઈંચ વરસાદ સાથે મેઘતાંડવ યથાવત રહ્યું છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી