ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા અનરાધાર વરસાદ બાદ હવે નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં આજથી વરસાદનું જોર ધીમે-ધીમે ઘટશે. 

રાજ્યમાં હાલમાં એકસાથે 5 જેટલી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય 

જોકે, રાહતની વચ્ચે પણ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં હાલમાં એકસાથે 5 જેટલી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં વેલમાર્ક લો પ્રેશર, સિઝનલ ટ્રફ અને ઓફ શ્યોર ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોને કારણે આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ તો જોવા મળશે જ, પરંતુ તેની તીવ્રતા ઓછી રહેશે.

દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મેઘરાજાનું જોર યથાવત રહે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મેઘરાજાનું જોર યથાવત રહી શકે છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ આજે સારો વરસાદ પડી શકે છે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં નદી કિનારાના ગામોને સાવધ રહેવા સૂચના અપાઈ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે

બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે સંકેતો છે. અહીં આજે સામાન્યથી મધ્યમ વરસાદની જ સંભાવના છે, છતાં ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. 

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઝાંપટા પડશે

ઉત્તર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ સહિતના ભાગોમાં પણ હળવા પવન સાથે સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. 


આ પણ વાંચો :   Porbandar : માધવપુરના દરિયામાં તણાઈ આવ્યું રહસ્યમય કન્ટેનર, લોકોના ટોળા ઉમટ્યા, પોલીસ-કસ્ટમ એલર્ટ