ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગ દ્વારા બપોરે 4 વાગ્યા સુધીનું નવું તાકીદનું 'નાઉકાસ્ટ' જારી કરવામાં આવ્યું છે. રાજ્ય પર સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમ અને વાદળોના ભારે ઘેરાવાને કારણે પૂર અને અતિભારે વરસાદનું જોખમ વધુ ઘેરૂં બન્યું છે.
17 જિલ્લાઓ માટે અતિથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
હવામાન વિભાગના નવીનતમ બુલેટિન અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના મળીને કુલ 17 જિલ્લાઓ માટે અતિથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે.
સાંબેલાધાર વરસાદની ભયજનક શક્યતા
વિગતવાર માહિતી મુજબ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં સાંબેલાધાર વરસાદની ભયજનક શક્યતાને પગલે રેડ એલર્ટ આપવામા આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં પણ રેડ એલર્ટ
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદી આફત ચાલુ રહેવાની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે.
મધ્ય ગુજરાતમાં પણ રેડ એલર્ટ
બીજી તરફ, મધ્ય ગુજરાત અને આસપાસના વિસ્તારો જેવા કે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની ભીતિ દર્શાવીને રેડ એલર્ટ લંબાવવામાં આવ્યું છે.
બાકીના મોટાભાગના ભાગોમાં પણ તોફાની વરસાદી માહોલ જળવાઈ રહેશે
આ સિવાય રાજ્યના બાકીના મોટાભાગના ભાગોમાં પણ તોફાની વરસાદી માહોલ જળવાઈ રહેશે. ઉત્તર અને સૌરાષ્ટ્રના બનાસકાંઠા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને રાજકોટ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીના ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તંત્ર દ્વારા તમામ સંબંધિત જિલ્લા કલેક્ટરો અને નાગરિકોને અત્યંત સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : સાચવજો, ગુજરાતના 17 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી