હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને ત્રણ કલાક માટેની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યના 8 મોટા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજા આ જિલ્લાઓમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા હોવાથી વહીવટી તંત્રને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે.

સૌરાષ્ટ્રના વિસ્તારો પર સૌથી મોટું જોખમ 

હવામાન વિભાગના બુલેટિન અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર સૌથી મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ તૂટી પડવાની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે. 

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ

જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની અને નદીઓમાં પૂર આવવાની આશંકા છે.

આ જિલ્લાઓમાં અપાયું ઓરેન્જ એલર્ટ

બીજી તરફ, પોરબંદર, રાજકોટ, બોટાદ તેમજ ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 

આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને બપોર સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અને નદી કે નાળા જેવા જોખમી વિસ્તારોથી દૂર રહેવા ખાસ અપીલ કરી છે. 


આ પણ વાંચો----    Gujarat Latest News Live : સાપુતારામાં સનરાઈઝ પોઇન્ટ પાસે પહાડો પરથી પથ્થરો ખાબક્યા, સાવચેતી સાથે મુસાફરી કરવાની અપીલ