ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ બરાબરની સક્રિય થઈ છે, જેના પગલે રાજ્યના અલગ-અલગ ભાગોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય અને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને પાટણ જિલ્લામાં આકાશી આફત જેવો માહોલ સર્જાયો છે. 

પાટણમાં 5 ઇંચ વરસાદ

પાટણ શહેર અને સરસ્વતી તાલુકામાં માત્ર ગણતરીના કલાકોમાં જ 5 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ચાણસ્મા, હારીજ અને સિદ્ધપુરમાં પણ 2 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

અરવલ્લી જિલ્લામાં પણ ધમાકેદાર વરસાદ

બીજી તરફ, અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં પણ કુદરત મહેરબાન થઈ છે. મેઘરજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો જેવા કે રેલ્લાવાડા, જીતપુર અને ઇસરી પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. આ ઉપરાંત બેડઝ, રેલ્યો અને વાસણા ગામોમાં પણ કાળઝાળ ગરમી બાદ વરસાદી માહોલ જામતા સમગ્ર વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે, જેથી સ્થાનિક લોકોને અસહ્ય બફારામાંથી મોટી રાહત મળી છે.


https://twitter.com/sandeshnews/status/2073099576941347070 

છોટાઉદેપુર જિલ્લામાં પણ મેઘમહેર

મધ્ય ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બોડેલી પંથકમાં છેલ્લા બે દિવસના વિરામ બાદ ફરી એકવાર આકાશી આફત વરસી છે. બોડેલી શહેર સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારો જેવા કે ઢોકલીયા, ચાચક અને આલિખેરવામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોમાં આ મેઘમહેરને પગલે ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદ ખરીફ પાકના વાવેતર માટે અત્યંત અમૃત સમાન સાબિત થશે. 


આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી