ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીના આગામી 3 કલાક માટે મહત્વનું 'નાઉ કાસ્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી મુજબ, આગામી ત્રણ કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે.


રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં પવનની ગતિ પણ ભારે રહેવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે-સાથે રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં પવનની ગતિ પણ ભારે રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં અંદાજે ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે વાહનચાલકો અને ખુલ્લામાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ 16 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મહેસાણા, ભરૂચ અને સાબરકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં સવારના સમયે જ કાળાડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા છે અને વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે.

સવાર-સવારમાં જ ઠંડા પવનો શરુ

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટ સહન કરી રહેલા સ્થાનીય લોકો માટે સવાર-સવારમાં જ ઠંડા પવનો અને વરસાદી માહોલ શરૂ થતાં મોટી રાહત મળી છે. જોકે, સવારના સમયે ઓફિસ અને કામે જતા લોકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને વરસાદી ઝાપટાં અને તેજ પવનના કારણે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે વાદળછાયા વાતાવરણ અને આ હળવા વરસાદથી મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે.

  • Follow us on: